ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણ આવે તે માટે સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિત યોજવામાં આવે છે. આ વખતે પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ યોજાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાઇબ્રન્ટ સમિટના આયોજન અંગે માર્ગદર્શન આપ્યા બાદ સમિટના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મંગળવારે ઉદ્યોગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં વાઇબ્રન્ટ સમિટની થીમ, પાર્ટનર કન્ટ્રી, વિવિધ દેશોના મહાનુભાવોને આમંત્રણ આપવા સહિતની બાબતોને આખરી ઓપ અપાયો હતો. કોરોના મહામારીને કારણે આ વખતે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે મુખ્ય આયોજન ઉપરાંત વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરવા ચર્ચા કરવામાં આવી હતી. જે દેશોના આમંત્રિતો તેમજ રોકાણકારો રૂબરૂ આવી ન શકે તો વીડિયો કોન્ફરન્સથી જોડાઇ શકશે. દર વખતે અધિકારીઓ આમંત્રણ આપવા અને વાયબ્રન્ટના પ્રચાર માટે વિવિધ દેશોના પ્રવાસે જતા હોય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે અનેક દેશોમાં નિયંત્રણ હોવાથી રૂબરૂ મોકલાય તેવી શક્યતા નથી. વાઇબ્રન્ટ સમિટની સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે નવી પોલીસી જાહેર કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પોલીસીની મુદ્દત પૂર્ણ થઇ રહી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી..
સૂત્રોએ ઉમેર્યું હતું કે,વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે આ વખતે યોજાનારા બે મહત્વના કાર્યક્રમો પર ફોકસ કરવામાં આવ્યું છે. જેમાં ડિફેન્સ એકસપો–2022ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના આખરી આયોજન હાથ ધરવામા આવશે.