- રેલ્વે હોસ્પિટલોમાં દરેક લોકોની સારવારની તૈયારીઓ
- આ માટે કેન્દ્ર દ્વારા રેલ્વે વિભાગોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો
દિલ્હીઃ- કેન્દ્ર સરકારે ઉત્તર મધ્ય રેલવે ઝોન સહિત તમામ ઝોનલ રેલ્વેને પોતાની હોસ્પિટલોમાં સ્ટાફ સહીતના અન્ય તમામ સામાન્ય નાગરીકોની સારવાર થઈ શકે તે માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે જેથી દેશભરની તમામ રેલવે હોસ્પિટલોમાં સામાન્ય લોકોની પણ સારવાર થઈ શકે.
જો કેન્દ્રની આ દરખાસ્ત મંજૂર થશે, તો રેલ્વે કામદારો સિવાય, બહારના લોકો પણ પ્રયાગરાજની સેન્ટ્રલ હોસ્પિટલ સહિત ઝોનની અન્ય તમામ રેલવે હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે. આ સિવાય રેલવે હોસ્પિટલને પીપીપી મોડ પર વિકસાવવાની દરખાસ્તમાં પણ કહેવામાં આવ્યું છે. જોકે, રેલવે કર્મચારીઓ આ પ્રસ્તાવના વિરોધમાં આવ્યા છે.
પ્રયાગરાજની કેન્દ્રીય હોસ્પિટલ સહિત દેશમાં કુલ 125 રેલવે હોસ્પિટલો કાર્યરત છે. આ સિવાય 586 આરોગ્ય એકમો / પોલીક્લીનીક્સ પણ છે. હાલમાં, આ તમામ હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં માત્ર રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોની જ સારવાર કરવામાં આવે છે.
ત્યારે હવે કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર સંદીપ સાન્યાલે પણ તમામ રેલ્વે હોસ્પિટલોમાં સામાન્ય લોકોની સારવારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સંદર્ભમાં ઉત્તર મધ્ય રેલવે ઝોનના જનરલ મેનેજરને પત્ર પણ મોકલવામાં આવ્યો છે.આ પ્રસ્તાવમાં રેલ્વે હોસ્પિટલોને પણ પીપીપી મોડ પર વિકસાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી રેલવે હોસ્પિટલમાં અન્ય જરૂરી સુવિધાઓ પણ વધારી શકાય.
આ સાથે જ કેન્દ્રના આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રેલ્વે હોસ્પિટલના માળખાકીય સુવિધાને વધારવા માટે રોકાણ જરૂરી છે. જોકે, આ પત્રમાં કેટલીક એવી હકીકતો પણ સામેલ કરવામાં આવી છે, જેનો રેલવે યુનિયનના અધિકારીઓએ વિરોધ કર્યો છે.