જૂનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. જોકે કોરોનાના કાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી લીલી પરિક્રમાને મંજપરી આપવામાં આવી નહતી. હવે કોરોના કાળ સમાપ્ત થતાં જ કારતક સુદ એકાદશીથી પુનમ સુધીની લીલી પરિક્રમા યોજાશે. જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. લીલી પરિક્રમા માટે વન વિભાગ સહિત વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ એકાદશીથી થશે. બે વર્ષ બાદ આ વખતે સામાન્ય નાગરિકો ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થઈ શકશે. ગિરનારની 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. નોંધનીય છે કે ગત વર્ષે ફકત સાધુ સંતોએ જ આ પરિક્રમા કરી હતી. લીલી પરિક્રમા અંગે યોજાયેલી બેઠકમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. યાત્રા દરમિયાન યાત્રિકો વન વિસ્તારમાં ચાર રાત્રિ અને પાંચ દિવસ પ્રકૃતિના ખોળે આરાધના કરે છે અને પોતાની ભક્તિનું ભાથું બાંધે છે.
જિલ્લાના કલેક્ટર રચિત રાજની અધ્યક્ષતામાં લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ-રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિત યાત્રિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષ કોરોનાએ આ લીલી પરિક્રમાને ગ્રહણ લગાડ્યું હતું અને લીલી પરિક્રમા વર્ષો બાદ સતત બે વર્ષ સુધી બંધ રહેવા પામી હતી. દરમિયાન આ વર્ષે કોરોનાનો કાળ સમાપ્ત થતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. તંત્ર દ્વારા આ વર્ષ લીલી પરિક્રમા યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે અને પરિક્રમા માટે મીટીંગોના દોર અને લાગતા વળગતા તંત્રો દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. (FILE PHOTO)