ઘરે જ મેંગો લસ્સીને તૈયાર કરો અને ગરમીમાં પેટને આપો ઠંડક,આ રહી લસ્સી બનાવવાની રીત
ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક પહોંચે તેવી તમામ વસ્તુઓને લોકો પસંદ કરતા હોય છે. લોકો દ્વારા ક્યારેક ઠંડી છાશનો સહારો લેવામાં આવે છે તો ક્યારેક ઘરે નવી નવી વાનગી બનાવીને પેટને ઠંડક આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવામાં જે લોકોને કેરી અથવા મેંગો લસ્સી ભાવતી હોય તે લોકો ઘરે જાતે જ લસ્સી બનાવી શકે છે અને આ રહી તે માટેની રીત.
ઘરે મેંગો લસ્સી બનાવવાની રીત એ છે કે તેના માટે સામગ્રીમાં 2 કેરી (ઝીણી સમારેલી), અડધો કપ ખાંડ, અડધુ કપ દહીં, એલચી પાવડર, ફુદીના ના પત્તા, 1 ટીસ્પૂન ટુટી-ફ્રુટીની જરૂર પડે છે.
મેંગો લસ્સી બનાવવાની રીત પણ સરળ છે કે જેમાં બ્લેન્ડરમાં સમારેલી કેરી અને ખાંડ નાખો. તેને થોડીવાર બ્લેન્ડ કરો અને પછી તેમાં દહીં ઉમેરો. દરમિયાન, તેમાં એલચી પાવડર ઉમેરો. તેમાં થોડું ઠંડુ પાણી પણ ઉમેરો. ધ્યાન રાખો કે તમારે તેમાં કાચું દૂધ બિલકુલ નાખવાની જરૂર નથી. સારી રીતે બ્લેન્ડ થઈ ગયા પછી લસ્સીને ગ્લાસમાં ભરીને ફ્રિજમાં ઠંડી થવા માટે રાખો. અડધા કલાક પછી તૈયાર કરેલી કેરીની લસ્સી કાઢીને ફુદીનાના પાનથી સજાવી સર્વ કરો.