અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાની જવાબદારી રાજ્યના ક્યા નેતાને આપવી તે અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી મંથન ચાલી રહ્યુ છે. દિલ્હીમાં રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા ગુજરાત યુવા કોંગ્રેસના 20 નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. હાઈકમાન્ડનું તેડુ આવતા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ ગુરૂવારે દિલ્હી પહોંચી ગયા હતા. અને આજે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી હતી. પ્રદેશના સિનિયર અગ્રણીના કહેવા મુજબ સિનિયર નેતાઓએ ગુજરાતની સ્થિતિનો ખ્યાલ આપીને સંગઠનને બેઠું કરવા તેમજ વિધાનસભાની ચૂંટણીને એકાદ વર્ષ જેટલો સમય બોકી રહ્યો હોવાથી કોઈપણ અનુભવી અને પીઢ નેતાને પ્રદેશ કોંગ્રેસનું સુકાન સોંપવા રજુઆત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા ક્યારે મળશે, આ સવાલ કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસના નવા નેતાઓને લઈ દિલ્હીમાં આજે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાતના સિનિયર નેતાઓની બેઠક મળી હતી.. જેમાં રાજ્યના પ્રભારી ડૉ રઘુ શર્મા સહિત ગુજરાત કોંગ્રેસના 15 નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.. આ બેઠકમાંથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી બિહાર જવા રવાના થયાં છે. આ અંગે હાર્દિકે કહ્યું હતું કે રાહુલજી સાથે મારે અને જિજ્ઞેશને મિટિંગ પુરી થઇ ગઈ છે માટે અમે એરપોર્ટ જવા રવાના થયા છીએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રભારી રઘુ શર્મા દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસના કેમ્પ દરમિયાન તમામ નેતાઓ-ધારાસભ્યો સાથે બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને એના આધારે રાષ્ટ્રીય નેતાગીરીને રિપોર્ટ સોંપવાની સાથોસાથ રૂબરૂ મીટિંગ પણ કરવામાં આવી હતી. એના આધારે હાઈકમાન્ડે પ્રદેશ નેતાઓને તેડાવ્યા છે. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, નરેશ રાવલ, કનુ કલસરિયા, બિમલ શાહ, જગદીશ ઠાકોર, અમીબહેન યાજ્ઞિક, મધુસુદન મિસ્ત્રી, દીપક બાબરિયા સહિત 15 જેટલા નેતાઓ હાજર રહ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખપદે નવા યુવા ચહેરાને તક આપવા માગે છે. જોકે એની સામે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો નારાજ છે. તેમની દલીલ છે કે કોઈ નવાને નહીં, પરંતુ સિનિયર અનુભવી નેતાને જ તક મળવી જોઈએ, કારણ કે વિધાનસભાની ચૂંટણી માટે વધારે સમય નથી રહ્યો. નવા નેતાને જવાબદારી સમજવામાં સમય લાગશે, જે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને નુક્સાન પહોંચાડશે. બીજી તરફ એવું પણ કહેવાઈ રહ્યું છે કે કેટલાક સિનિયર નેતાઓ પ્રદેશ પ્રમુખનું પદ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી વર્ષમાં પ્રતિષ્ઠિત પદ મેળવવા માટે અંદરખાને લોબિંગ પણ શરૂ થઈ ગયાનું મનાય છે. દિવાળી સુધીમાં નવા પ્રદેશ સુકાનીઓનાં નામ જાહેર થઈ જવાની શક્યતા છે.