રાજકોટઃ પાકિસ્તાનની જેલમાં કેદ 558 ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગ ઉઠી છે. માછીમારોના પરિવારજનોએ વડાપ્રધાનને રજુઆત કરી છે કે, વડાપ્રધાનમંત્રી ગરીબોને સહાય કરે છે તો અમારા સ્વજન છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. જે માછીમારી કરવા જ ગયા હતા. તેને મુક્ત કરાવવામાં આવે તેવી માંગ છે.
પાકિસ્તાનમાં ફસાયેલા માછીમારોને લઈને નેશનલ ફિશ વર્કર્સ ફોરમ તેમજ ગુજરાત માછીમારની સંસ્થાઓ આગળ આવી છે. જેમને જણાવ્યું હતું કે, પાકિસ્તાન જેલમાં રહેલા ભારતીય 558 માછીમારો કેદ છે. 250 કરતા વધુ માછીમારોની ઓળખ કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 18 માછીમારોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જે માછીમારો કેદ છે તેને કેવી રીતે મુક્ત કરી શકાય તેને લઈને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માછીમારોની પત્નીઓએ માંગ કરી છે કે તેના પતિને પાકિસ્તાનની જેલમાંથી 15 ઓગષ્ટના મુક્ત કરાવો. અગાઉ 6 મહિના થી 1 વર્ષમાં માછીમારોને મુક્ત કરવામાં આવતા હતા. પરંતુ છેલ્લા 2 થી 4 વર્ષ થી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા નથી. અનેક નેતાઓને રજૂઆતો છતાં મુક્ત કરવામાં આવ્યા ન હોવાનો માછીમારોની પત્નીઓએ આરોપ લગાવ્યો હતો
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 15 ઓગષ્ટના સાગર ખેડુ દરિયો નહિ ખેડે અને માછીમારી શરૂ નહીં કરે. અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશનના પ્રમુખ વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના માછીમારોએ સરકારને રજુઆત કરી હતી.ઇતિહાસમાં પહેલીવાર આ વખતે 15 ઓગસ્ટથી માછીમારી શરૂ નહીં થાય.1 સપ્ટેમ્બરથી માછીમારી શરૂ થશે. ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયામાં અસરો જોવા મળે છે. માછીમાર આગેવાનોએ સરકારને રજુઆત કરી હતી. 15 ઓગસ્ટને બદલે 1 સપ્ટેમ્બરથી માછીમારી શરૂ કરવામાં આવશે. દરિયામાં વાવાઝોડાની અસર રહેતી હોય છે અને દરિયામાં જોઈ એવી માછલીઓ મળતી નથી. માછલીઓ ઈંડા મુક્યા હોવાથી માછલીઓ મોટી થતા આટલો સમય લાગે છે જેથી 1 સપ્ટેમ્બર થી માછીમારી શરૂ થશે.