નવી દિલ્હીઃ અમેરિકામાં ગન કલ્ચરને કારણે દર વર્ષે હજારો લોકો જીવ ગુમાવી રહ્યાં છે, ગન કલ્ચરને કારણે અમેરિકાની જનતામાં રોષ ફેલાયો છે. ભારતમાં હથિયાર ખરીદવા માટે લંબાણ પૂર્વકની પ્રક્રિયામાંથી પાર થવું પડે છે, પરંતુ અમેરિકામાં બંદૂક ખરીદવી ખૂબ જ સરળ છે. અમેરિકાનું બંધારણ નાગરિકોને બંદૂક રાખવાનો અધિકાર આપે છે અને અહીંથી જ અમેરિકામાં ગન કલ્ચરની શરૂઆત થઈ હતી. આ અધિકારને કારણે અમેરિકાની દુકાનોમાં જેટલી સરળતાથી બંદૂકો ઉપલબ્ધ છે, જેટલી સરળતાથી ભારતમાં ઈલેક્ટ્રોનિક સામાન અને મોબાઈલ ફોન ઉપલબ્ધ છે. અમેરિકામાં ગન કલ્ચરને કારણે શૂટઆઉટના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેથી વહીવટી તંત્ર પણ ગન કગલ્ચરને લઈને ચિંતિત બન્યું છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં 100 વ્યક્તિઓ સામે 130 બંદુક છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમેરિકામાં એવા પણ ઘણા રાષ્ટ્રપ્રમુખ બન્યા છે જેમણે પોતાના સમર્થકો સાથે બંદૂકો લઈને પ્રદર્શન કર્યું હતું. રૂઝવેલ્ટથી લઈને જિમી કાર્ટર સુધી, જ્યોર્જ બુશથી લઈને બરાક ઓબામા સુધીના અનેક રાષ્ટ્રપતિઓ શસ્ત્રો સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. તેથી જ આજે સ્થિતિ આટલી ખરાબ થઈ ગઈ છે.
નેશનલ રાઇફલ એસોસિએશન અમેરિકામાં બંદૂક માલિકોની સૌથી મોટી સંસ્થા છે અને તે લોબી તરીકે કામ કરે છે. આ સંગઠન ગન કલ્ચર વિરૂદ્ધ કોઈપણ કાયદાનો વિરોધ કરવા, તેને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. આ રમત અબજો ડોલરની છે, તેથી ગન કલ્ચરને પ્રોત્સાહન આપવા, તેની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે દર વર્ષે અબજો રૂપિયા ખર્ચવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, આ સંગઠને ગન કલ્ચરના સમર્થકોને એક કરવા માટે 2020માં 2050 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.
અમેરિકામાં ગન કલ્ચરને ખતમ કરવા માટે ક્યારેય કોઈ ગંભીર પ્રયાસ થયા નથી. જો કે, આ વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી મહત્વપૂર્ણ એન્ટી ગન હિંસા બિલ પર હસ્તાક્ષર કર્યા, તેનું કારણ પણ ટેક્સાસમાં મોટો હુમલો હતો. અમેરિકામાં 21 વર્ષના યુવકને બંદૂક ખરીદવાનો અધિકાર છે. જોકે કેટલાક કિસ્સાઓમાં તે 18 વર્ષે પણ ખરીદી શકે છે. અહીં અલગ-અલગ રાજ્યોની બંદૂકો ખરીદવાને લઈને અલગ-અલગ કાયદા છે.
1967થી 2017ના સમયગાળામાં ગન કલ્ચરને કારણે 1.5 મિલિયન અમેરિકનો મૃત્યુ પામ્યા છે. 2020માં જ ગન કલ્ચરના કારણે 45000 હજારથી વધુ અમેરિકન લોકોના મોત થયા હતા, જેમાં હત્યા અને આત્મહત્યાના કિસ્સા પણ સામેલ છે. એટલે કે અમેરિકામાં દરરોજ 123 લોકો ગન કલ્ચરના કારણે મૃત્યુ પામે છે અને આ અમેરિકાના ગન કલ્ચરનો સૌથી ખતરનાક પુરાવો છે. આંકડા મુજબ, અમેરિકામાં દર 100 નાગરિકોએ 120 બંદૂકો છે. 2019ના અહેવાલ મુજબ, અમેરિકામાં 63,000 લાઇસન્સ પ્રાપ્ત બંદૂક ડીલરો છે. જેમણે 2018માં 83 હજાર કરોડ રૂપિયાની બંદૂકો વેચી હતી.
(PHOTO-FILE)