- રાષ્ટ્રપતિ બાઇડેન પીએમ મોદી સાથે કરશે બેઠક
- ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પીએમ મોદીને મળશે
- વ્હાઈટ હાઉસે આપી આ અંગે જાણકારી
દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. સોમવારે જાહેર થયેલા રાષ્ટ્રપતિના સાપ્તાહિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, 23 સપ્ટેમ્બરના રોજ યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
બંને નેતાઓ વચ્ચે શુક્રવારે થનારી પ્રથમ બેઠકના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ ભારતના પ્રજાસત્તાકના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.” ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડેનની જાન્યુઆરીમાં પ્રમુખ તરીકે ચૂંટણી થઈ ત્યારથી બંને નેતાઓએ ઘણી ડિજિટલ માધ્યમથી વાતચીત કરી છે.
વડાપ્રધાન મોદી છેલ્લી વખત સપ્ટેમ્બર 2019 માં અમેરિકા ગયા હતા. તે દરમિયાન તેમણે અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. શુક્રવારે વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં કહ્યું કે,બાઇડેન જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા સાથે પણ મુલાકાત કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિના સાપ્તાહિક સમયપત્રક અનુસાર 24 સપ્ટેમ્બર શુક્રવારે જ બાઇડેન વડાપ્રધાન મોદી, સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે વ્હાઈટ હાઉસમાં ક્વાડ નેતાઓના પ્રથમ વ્યક્તિગત સમિટનું આયોજન કરશે.
ગયા અઠવાડિયે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,આ ચાર નેતાઓ આ વર્ષે 12 માર્ચે તેમની પ્રથમ ડિજિટલ સમિટ પછી થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને સામાન્ય હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. મોદીની અમેરિકાની મુલાકાત લગભગ છ મહિનામાં તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે, જ્યારે કોવિડ -19 મહામારી નીકળ્યા બાદ તેઓ બીજી વખત કોઈ દેશની મુલાકાત લેશે. અગાઉ માર્ચમાં મોદીએ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી.