રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામ અને સર્બિયાના પ્રવાસે,પરમારિબોમાં ભારતીય સમુદાયને કર્યા સંબોધિત
દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ સુરીનામ અને સર્બિયાના પ્રવાસે છે. તેમણે મંગળવારે મોડી રાત્રે સુરીનામની રાજધાની પરમારિબોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સુરીનામમાં મિની ઈન્ડિયા રહે છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે સુરીનામમાં ભારતીય ડાયસ્પોરા દેશના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે લગભગ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
રાષ્ટ્રપતિ મુર્મુ સુરીનામમાં રહેતા ભારતીય મૂળના લોકોને સામુદાયિક સ્વાગત સમારોહમાં મળ્યા હતા. આ સમારોહમાં સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે સભાને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે અમારા માટે ગર્વની વાત છે કે ભારતીયો સુરીનામમાં સર્વોચ્ચ પદો પર પહોંચ્યા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે પદ સંભાળ્યા બાદ મારી પ્રથમ રાજકીય મુલાકાત સુરીનામની છે. સુરીનામમાં ભારતીયોના આગમનના 150 વર્ષની ઉજવણીનો ભાગ બનવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. આપણા માટે ગર્વની વાત છે કે ભારતીયો સુરીનામમાં ઉચ્ચ પદો પર પહોંચ્યા છે. ભારતીયોએ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સુરીનામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકારની નીતિ તેના તમામ મિત્ર દેશો સાથે સ્થાયી સંબંધો બનાવવાની છે.
આ પહેલા દ્રૌપદી મુર્મુએ સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી સાથે પરમારિબોમાં નાફેલ્સગ્રાક્ટ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરીનામમાં લલ્લા રૂખ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. સુરીનામની મુલાકાતના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિએ સુરીનામમાં વિષ્ણુ મંદિરની પણ મુલાકાત લીધી હતી.