Site icon Revoi.in

મહિલા આરક્ષણ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મંજુરીની મહોર મારી

Social Share

નવી દિલ્હીઃ મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન એક્ટ)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું. સંસદના બંને ગૃહો દ્વારા કોઈપણ બિલ પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે. આ કાયદાના અમલ બાદ મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામત મળશે. જ્યારે સંસદ દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, તે જાતિય ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે.

નારી શક્તિ વંદન એક્ટ લાગુ થયા બાદ લોકસભાની 543 સીટોમાંથી 181 સીટો મહિલાઓ માટે અનામત રહેશે. આ અનામત 15 વર્ષ સુધી ચાલશે. આ પછી સંસદ ઈચ્છે તો તેનો સમયગાળો વધારી શકે છે. સીધા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે અનામત લાગુ થશે. તેનો અર્થ એ કે, રાજ્યસભા અને રાજ્યોની વિધાન પરિષદો કાર્યક્ષેત્રમાં આવશે નહીં.

મહિલા આરક્ષણ સંબંધિત 128મું બંધારણ સંશોધન બિલ 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું. બિલની તરફેણમાં 214 વોટ પડ્યા હતા જ્યારે બિલની વિરુદ્ધમાં કોઈએ વોટ આપ્યો ન હતો. આ પહેલા 20 સપ્ટેમ્બરે આ બિલને લોકસભામાંથી મંજૂરી મળી હતી. લોકસભાએ પણ આ બિલને બે તૃતિયાંશ બહુમતીથી પસાર કર્યું હતું. તેની તરફેણમાં 454 અને વિરોધમાં બે મત પડ્યા હતા. લોકસભા અને રાજ્યસભામાં વિધાયક પસાર થતા જ દેશની મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી હતી.