રાષ્ટ્રપતિ મુર્મુએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ગોંડવાના યુનિવર્સીટીના 10મા દિક્ષાંત સમારોહમાં આપી હાજરી, વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા
મુંબઈઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે આજ રોજ તેમણs ગઢચિરોલીમાં ગોંડવાના યુનિવર્સીટીના 10મા દિક્ષાંત સમારોહમાં હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 જુલાઈથી 7 જુલાઈ સુધી કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રની મુલાકાતે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોંડવાના યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓની પ્રશંસા કરી છે અને તેને મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રશાંત બકરે ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગોંડવાના યુનિવર્સિટીમાં અનુભવી શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વાંસની હસ્તકલા, વન વ્યવસ્થાપન જેવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.આ સાથે જ તેમણે કહ્યું કે યુનિવર્સિટીમાં આદિજાતિ સંશોધન કેન્દ્ર કાર્યરત છે.
વધુમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે મોટી સંખ્યામાં આદિવાસી જિલ્લાઓને મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ જિલ્લાઓના વિકાસ માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વર્ચ્યુઅલ માધ્યમથી અલ્લાપલ્લી ખાતે ગોંડવાના યુનિવર્સિટીના વહીવટી ભવનનો શિલાન્યાસ પણ કર્યો હતો.
રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે દિક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી મેળવનારી અને ગોલ્ડ મેડલ જીતનારી મોટી સંખ્યામાં યુવતીઓ સ્ટુડન્ટ્સ અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. આજના કોન્વોકેશનમાં 45 ટકા સ્નાતકો અને 61 ટકાથી વધુ ગોલ્ડ મેડલ વિજેતાઓ વિદ્યાર્થીનીઓ હતી. આ દિક્ષાંત સમારોહ દરમિયાન વિવિધ શૈક્ષણિક શાખાઓમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર છ વિદ્યાર્થીઓનું રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યુ.
રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ગોંડવાના યુનિવર્સિટી આદિવાસી અને સીમાંત વિદ્યાર્થીઓ માટે શિક્ષણ દ્વારા નવી તકો પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટી વન સંસાધનો, ખનિજ સંસાધનો, આદિવાસી સમુદાયની કળા, પ્રદેશની સ્થાનિક કલા અને સંસ્કૃતિના વિકાસ અને સંરક્ષણ માટે કામ કરી રહી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સ્થિત ગોંડવાના યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.
આ સહીત આજે રોજ બુધવારની બપોરે શ્રી મુર્મુ કોરાડી મંદિર વિસ્તારમાં ભારતીય વિદ્યાભવનના રામાયણ સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદઘાટન કર્યું. આ કેન્દ્રના પહેલા માળે રામાયણનું ચિત્રાત્મક સ્વરૂપમાં આકર્ષક પ્રદર્શન છે. જયારે બીજા માળે 1857થી 1947 સુધીના સ્વાતંત્ર્યસેનાનીઓની શૌર્યગાથાને ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.
આ સહીત આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ મુર્મુ નાગપુરમાં રાજભવન ખાતે આદિવાસી જૂથોના સભ્યો સાથે વાર્તાલાપ કરશે. જે બાદ તેઓ મુંબઇ જવા રવાના થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિદર્ભ ક્ષેત્રની 3 દિવસીય મુલાકાત માટે ગઇકાલે સાંજે નાગપુરના ડૉ.બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા.
tags:
draupadi murmu