ભુનેશ્વર- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાની મુલાકાતે છે. જ્યાં રાષ્ટ્રપતિએ બદમપહારમાં ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ લીલી ઝંડી બતાવેલી ટ્રેનોમાં શાલીમાર-બદમપહાર વીકલી એક્સપ્રેસ, બદમપહાર-રૌરકેલા વીકલી એક્સપ્રેસ અને ટાટા નગર-બદમપહાર મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે.
આ સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ બદમપહાર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યક્રમનો શિલાન્યાસ પણ કર્યો. દક્ષિણ પૂર્વ રેલવેના સીપીઆરઓ, આદિત્ય ચૌધરીએ મંગળવારે સવારે કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ટ્રેનોને લીલી ઝંડી આપવા આવી રહ્યા છે અને આ એક ખાસ વાત છે. રાષ્ટ્રપતિ પણ અમારી સાથે ટ્રેનમાં મુસાફરી કરશે.
આ ટ્રેનોમાં ટાટાનગર-બદમપહાર મેમુ ટ્રેન, બદમપહાર-રાઉરકેલા અને શાલીમાર-બદમપહાર એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનોના સંચાલનથી વિસ્તારના લોકોને ઘણો ફાયદો થશે.
આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહારપુર ખાતે કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું અને તે જ ગામમાં આવેલી SLS મેમોરિયલ રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત લીધી જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી.