Site icon Revoi.in

એઇમ્સના પ્રમુખનો દાવો – 6 મહિનામાં તૂટી શકે છે કોરોનાની ચેન

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાની ચેન આગામી 6 મહિનામાં તૂટી શકે છે. એઇમ્સના પ્રમુખ રણદીપ ગુલેરિયાએ આ મોટો દાવો કર્યો છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે, આવતા 6 મહિનામાં અમે ઓછામાં ઓછા 30 કરોડ લોકોને વેક્સીન આપીને આ કોરોના વાયરસની ચેન તોડીશું.

તેમણે કહ્યું કે,”હું આવતા 6 મહિના માટે ખૂબ જ સંતોષકારક સ્થિતિમાં છું, કારણ કે ત્યાં સુધીમાં મોટાભાગના લોકો વેક્સીન લઈને કોરોનામાંથી સાજા થઈ ચુક્યા હશે.” ગુલેરિયાએ કહ્યું કે, આપણે ખૂબ જ જલ્દીથી આ મહામારીની સાંકળ તોડવામાં સફળ થઈશું. ખાસ કરીને જ્યારે અમે રિસ્ક ધરાવતા લોકોને વેક્સીન આપીશું, ત્યારે આ વાયરસને કારણે મૃત્યુદર પણ ઓછો થઈ જશે.”

પ્રોફેસર ગુલેરિયાએ જણાવ્યું હતું કે, પહેલા ફ્રંટ લાઇન વોરીયર્સ, હેલ્થકેર કર્મચારી અને જે લોકોને આ વાયરસથી વધુ જોખમ છે, તેમને આગામી 6 મહિનામાં વેક્સીન આપી દેવામાં આવશે. આમાં એવા લોકો પણ સામેલ હશે, જેમની ઉંમર 50 વર્ષથી ઉપર છે.

આટલા કરોડો ડોઝ છે ઉપલબ્ધ

ડોઝની ઉપલબ્ધતા કેટલી છે અને તે લોકોને કેવી રીતે આપવામાં આવશે? આ સવાલના જવાબમાં ગુલેરિયાએ કહ્યું કે, હાલમાં 30 કરોડ લોકોના હિસાબથી 60 કરોડ ડોઝ છે. કારણ કે એક માણસને બે ડોઝ આપવામાં આવે છે. આ માટે અમને ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગશે.

આ વેક્સીનને મળી શકે છે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી

ભારતમાં હાલમાં ત્રણ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ પર કામ ચાલી રહ્યું છે. જેમાં એક કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે. આ વેક્સીનના ફેઝ 1 ના ટ્રાયલને સારો પ્રતિસાદ મળ્યો છે. અને હજી સુધી કોઈ પણ કેન્ડીડેટને ગંભીર સમસ્યા થઇ નથી.

નોંધનીય છે કે, ડિસેમ્બર 2019થી અત્યાર સુધી દેશમાં કોવિડ-19 ના 99.3 લાખ કેસ સામે આવી ચુક્યા છે,જેમાં 1.44 લાખ લોકોનાં મોત નિપજ્યા છે.

-દેવાંશી