માલદીવ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને ઈટાલી, ભૂટાનના પ્રધાનમંત્રીએ PM મોદીને સતત ત્રીજી જીત બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ દુનિયાભરના દેશોના વડાઓએ PM મોદી અને ભાજપને સામાન્ય ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ X પર લખ્યું કે, 2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, BJP અને NDAને અભિનંદન. તેમણે કહ્યું કે, હું બંને દેશોની સમાન સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા આતુર છું.
માલદીવના રાષ્ટ્રપતિએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી-2024માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની જીત પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેના એક્સ હેન્ડલ પર એક અભિનંદન સંદેશમાં આ અંગે ખુશી વ્યક્ત કરી છે. માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ લખ્યું છે કે, “ભારતીય સામાન્ય ચૂંટણી 2024માં સતત ત્રીજી સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ તથા ભાજપ ની આગેવાની હેઠળના એનડીએ ને અભિનંદન. હું બંને દેશોની સહિયારી સમૃદ્ધિ અને સ્થિરતા તરફના અમારા પ્રયાસોને આગળ વધારીને, મળીને સાથે કામ કરવાની આશા રાખું છું.”
ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. તેમણે X પર લખ્યું કે, નવી ચૂંટણીની જીત અને સારા કામ માટે શુભેચ્છા. તે નિશ્ચિત છે કે અમે ઇટાલી અને ભારતને એક કરતી મિત્રતાને મજબૂત કરવા અને અમારા રાષ્ટ્રો અને અમારા લોકોની સુખાકારી સાથે સંબંધિત મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ કહ્યું કે, તેઓ ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા આતુર છે. વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ મારા મિત્ર પ્રધાનમંત્રી મોદી અને NDAને અભિનંદન. તેઓ ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તેમની સાથે મળીને કામ કરવા આતુર છું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પાઠવ્યા અભિનંદન
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું, એનડીએની જીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોનો વિશ્વાસ દર્શાવ્યો છે. શ્રીલંકા, તેના સૌથી નજીકના પાડોશી તરીકે, ભારત સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છે.