દક્ષિણ અમેરિકાના સુરીનામના રાષ્ટ્રપતિ આજથી ભારતની 7 દિવસીય મુલાકાતે – પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમાં લેશે ભાગ
- દક્ષિણ અમેરિકાના સુરીનામના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે
- પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમાં લેશે ભાગ
દિલ્હીઃ- દક્ષિણ અમેરિકન દેશ સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ભારતની સાત દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. સંતોખી 7 થી 14 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે.
આ સાથે જ તેઓ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન 2023માં અતિથિ વિશેષ હશે. ચંદ્રિકાપ્રસાદ સંતોખી પણ શનિવારે ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેશે.
વિદેશ મંત્રાલયે વિતેલા દિવસને શુક્રવારે મીડિયા એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે જામનગરની મુલાકાત બાદ તેઓ ઈન્દોર જશે. તેમની મુલાકાત દરમિયાન, સંતોખી 8 જાન્યુઆરીએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે.
ત્યાર બાદ 9 જાન્યુઆરીના રોજ, તેઓ મધ્યપ્રદેશના ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023ના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. તેઓ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023ને સંબોધિત કરશે. આ સિવાય તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. ચંદ્રિકાપ્રસાદ સંતોખી 10 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. તેઓ વિદાય સત્ર અને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ સમારોહમાં હાજરી આપશે.
જાણો સમગ્ર કાર્યક્રમ
11 જાન્યુઆરીએ ઈન્દોરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. 12 જાન્યુઆરીએ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અમદાવાદ જશે. તેઓ 13 જાન્યુઆરીએ નવી દિલ્હી પરત ફરશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ 14 જાન્યુઆરીએ ભારત છોડવાના છે. વડાપ્રધાન કાર્યાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું કે મધ્યપ્રદેશ સરકારના સહયોગથી ઈન્દોરમાં 8-10 જાન્યુઆરી દરમિયાન 17મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન આયોજિત કરવામાં આવી રહ્યું છે.