- પૂર્વ વડાપ્રધાન વાજપેયીની ૯૬ મી જન્મજયંતિ
- પીએમ મોદી – રાષ્ટ્રપતિ પહોંચ્યા સદૈવ અટલ
- પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
દિલ્લી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૯૬મી જન્મજયંતિ પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અન્ય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સવારે વાજપેયીની સમાધિ સદૈવ અટલ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ત્યાં પહોંચ્યા હતા. આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણ, રેલ મંત્રી પિયુષ ગોયલ પણ સામેલ હતા.
આ અગાઉ પીએમ મોદીએ એક ટવિટમાં લખ્યું હતું કે, ‘પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. પોતાના દૂરદર્શી નેતૃત્વમાં તેઓ દેશને વિકાસની અભૂતપૂર્વ ઉંચાઈઓ પર લઈ ગયા. એક મજબૂત અને સમૃદ્ધ ભારત નિર્માણના તેમના પ્રયત્નો હંમેશા યાદ રહેશે.
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, વિચારધારા- સિદ્ધાંતો પર આધારિત રાજકારણ અને રાષ્ટ્ર સમર્પિત જીવનથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરૂઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર તેમને કોટી –કોટી પ્રણામ. અટલની કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવા આપણા માટે સદૈવ પ્રેરણાનું કેન્દ્ર રહેશે.
રાજનાથસિંહે લખ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય રાજકારણના શિખર પુરુષ પૂજનીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર હું તેમને યાદ કરું છું અને સલામ કરું છું. તેમણે ભારતમાં વિકાસ અને સુશાસનના નવા ધોરણો સ્થાપ્યા. અટલે રાજકારણમાં મર્યાદાનું પાલન કર્યું. આ દેશ સદૈવ તેમના વિચારોથી પ્રેરણા લેશે.
-દેવાંશી