નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે બે મહિનાથી જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના કીવ અને ખારકીવ સહિતના વિસ્તારોમાં સતત હુમલા કરી રહી છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધને લઈને દરમિયાનગીરી કરનારા દેશોને ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, યુદ્ધમાં અન્ય બીજા દેશની દખલગીરી સહન નહીં કરાય.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેમની પાસે એવા દેશો પર તાત્કાલિક હુમલો કરવા માટેના તમામ સાધનો છે જે યુક્રેન યુદ્ધમાં દખલ કરવાનો પ્રયાસ કરશે. સાંસદોને સંબોધતા પુતિને યુક્રેનની સૈન્ય કાર્યવાહી વિશે વિગતવાર વાત કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું હતું કે જો રુસ-યુક્રેન યુદ્ધ દરમિયાન કોઈ અન્ય દેશ હસ્તક્ષેપ કરશે તો રશિયાનો હુમલો વિજળી ઝડપથી અને ઘાતક હશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, અમારી પાસે આ માટે તમામ સાધનો છે. સાધનો જેની અમે બડાઈ કરીશું નહીં. જો આવી કોઈ જરૂર ઉભી થશે, તો અમે તેનો ઉપયોગ કરીશું. રશિયન સત્તાવાળાઓએ આવી પ્રતિક્રિયા માટે પહેલાથી જ તમામ જરૂરી તૈયારીનો નિર્ણય પહેલા જ લઈ લીધો છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એવો પણ આરોપ લગાવ્યો કે, પશ્ચિમના દેશો રશિયાને અલગ-અલગ ટુકડાઓમાં વહેંચવા માંગે છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે યુક્રેનને યુદ્ધમાં ધકેલવા માટે પશ્ચિમના દેશો જવાબદાર છે. રશિયા સાથે યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી પશ્ચિમી દેશો સક્રિયપણે યુક્રેનને શસ્ત્રો સપ્લાય કરી રહ્યા છે. જેમાં એન્ટી ટેન્ક અને એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ, સશસ્ત્ર વાહનો અને હોવિત્ઝરનો સમાવેશ થાય છે.