ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ઘણીવાર પોતાના નિવેદનો અને ક્રિયાકલાપોને લઇને ચર્ચામાં રહે છે. દુતેર્તે હાલ જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન પણ તેમણે કંઇક એવું કર્યું જેના કારણે તેઓ ચર્ચામાં આવી ગયા. એક કાર્યક્રમ દરમિયાન ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ સ્ટેજ પર જ પાંચ મહિલાઓને કિસ કરી. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે ,સુંદર મહિલાઓને કારણે જ તેઓ ગે થવામાંથી બચી ગયા છે. માહિતી પ્રમાણે, રોડ્રિગો દુતેર્તે ગુરૂવારે જાપાનમાં ફિલિપિન્સ સમુદાયના લોકોને મળી રહ્યા હતા. આ જ કાર્યક્રમમાં દુતેર્તેએ સ્ટેની સામેની પહેલી હરોળમાં બેઠેલી મહિલાઓને કાર્યક્રમના અંતમાં કિસ કરવાની ઓફર કરી.
જ્યારે પહેલી મહિલા રાષ્ટ્રપતિ દુતેર્તેને કિસ કરવા માટે સ્ટેજ પર પહોંચી, તો તે ઘણો ખચકાટ અનુભવી રહી હતી. રાષ્ટ્રપતિએ મહિલાને ગાલ પર કિસ કરી. ત્યારબાદ વારાફરતી તમામ પાંચ મહિલાઓ સ્ટેજ પર પહોંચી અને રાષ્ટ્રપતિ દુતેર્તેએ તમામ પાંચ મહિલાઓના ગાલ પર કિસ કરી. આ દરમિયાન કાર્યક્રમમાં હાજર લોકો ઘણા ખુશ જોવા મળ્યા અને એવું લાગ્યું જાણે રાષ્ટ્રપતિનો ઉત્સાહ વધારી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યાર 74 વર્ષીય દુતેર્તે મહિલાઓને કિસ કરી રહ્યા હતા ત્યારે તેમની પત્ની પણ ત્યાં હાજર હતી. કિસ કર્યા પછી રોડ્રિગો દુતેર્તેએ લોકોને સંબોધિત કરીને જણાવ્યું કે સુંદર મહિલાઓને કારણે જ તેઓ ગે બનવામાંથી બચી ગયા.
દુતેર્તેએ ત્યારબાદ પોતાના વિરોધી નેતા અને ફિલિપાઇન્સના સેનેટર એન્ટોનિયો ટ્રિલાનેસના હોમોસેક્સ્યુઅલ હોવાની ટીકા કરી. ઉલ્લેખનીય છે કે રોડ્રિગો દુતેર્તે આ પહેલા પણ ઘણીવાર વિવાદોમાં આવી ચૂક્યાં છે. ગયા વર્ષે જૂનમાં તેઓ દક્ષિણ કોરિયા ગયા હતા. ત્યાં પણ તેમણે ફિલિપાઇન્સના લોકો સાથે મુલાકાતના એક કાર્યક્રમમાં એક પરિણિત મહિલાને કિસ કરી હતી. દુતેર્તે આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાનકી મૂનને બેવકૂફ કહી ચૂક્યા છે. આ ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા વિરુદ્ધ અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેઓ ભગવાન સુદ્ધાંને બેવકૂફ કહી ચૂક્યા છે જેનો ઘણો વિવાદ થયો હતો.