Site icon Revoi.in

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને શિવસેના સમર્થન આપશે

Social Share

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ દ્વારા દ્રૌપતિ મૂર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે વિપક્ષે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આંતરીક જૂથવાદનો સામનો કરતા શિવસેના દ્વારા ભાજપના ઉમેદવારને સમર્થન આપવામાં આવે તેવી શકયતા છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે કરશે.

શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે શિવસેનાની બેઠકમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાના મુદ્દા પર ચર્ચા કરી હતી. મુર્મુને સમર્થન આપવાનો અર્થ એ નથી કે અમે ભાજપને સમર્થન આપીએ છીએ. અમે આદિવાસી નેતાના નામે દ્રૌપદી મુર્મુને સમર્થન આપી શકીએ છીએ. અમે ભૂતકાળમાં પણ આવા નિર્ણયો લેતા આવ્યા છીએ, શિવસેના કોને સમર્થન આપશે તે એક-બે દિવસમાં સ્પષ્ટ થશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ અંગે નિર્ણય લેશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા પ્રત્યે પણ અમારી સદ્ભાવના છે. ભૂતકાળમાં અમે રાષ્ટ્રપતિ પદ માટે પ્રતિભા પાટિલને ટેકો આપ્યો હતો. તે એનડીએના ઉમેદવાર ન હતા. અમે પ્રણવ મુખર્જીને પણ સમર્થન આપ્યું હતું. રાઉતે કહ્યું કે શિવસેના કોઈપણ દબાણમાં નિર્ણય લેતી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ચૂંટણીના મુદ્દે યોજાયેલી બેઠકમાં શિવસેનાના ઘણા સાંસદોએ મુર્મુના સમર્થનની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં સંજય રાઉત કથિત રીતે અલગ પડી ગયા હતા. તેમણે શિવસેના દ્વારા સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાની અપીલ કરી હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પાર્ટીના મોટાભાગના સાંસદોના અભિપ્રાય સાથે સહમત થઈને મુર્મુના સમર્થનની જાહેરાત કરી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થશે.