Site icon Revoi.in

ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું દેશવાસીઓને સંબોધન, દ્રૌપદી મુર્મુએ રામ મંદિર કર્યો ઉલ્લેખ

Social Share

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે સાંજે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા દેશના નામે સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપિતએ પોતાના સંબોધનમાં રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો, સાથે જ કર્પૂરી ઠાકુરને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે- 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ હું તમને સૌને હાર્દિક શુભેચ્છા આપું છું. આપણાં ગણતંત્રનું 75મું વર્ષ અનેક અર્થમાં દેશની યાત્રાનો એક ઐતિહાસિક પડાવ છે. આપણો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ વધતા અમૃત કાળના પ્રારંભિક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક યુગાંતરકારી પરિવર્તનનું કાલખંડ છે. તેમણે કહ્યું કે ગણતંત્ર દિવસ, આપણાં આધારભૂત મૂલ્યો અને સિદ્ધાંતોને સ્મરણ કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે.

રાષ્ટ્રપિત દ્રૌપદી મુર્મૂએ 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં G-20  શિખર સંમેલન, અયોધ્યા રામ મંદિર ઉદઘાટન અને મહિલા સશક્તિકરણ સહિત ઘણા વિષયો પર વાત કરી હતી.

દ્રૌપદી મુર્મૂએ દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે,  ‘કાલે તે દિવસ છે, જ્યારે આપણે બંધારણના પ્રારંભ થવાની ઉજવણી કરીશું. ભારતમાં લોકશાહી વ્યવસ્થા પશ્ચિમી લોકશાહીની વિભાવના કરતાં ઘણી જૂની છે. આ જ કારણે ભારતને લોકશાહીની જનની કહેવામાં આવે છે. દેશ અમૃત કાળના પ્રારંભિક વર્ષોમાં છે. આ પરિવર્તનનો સમય છે. આપણને દેશને નવી ઊંચાઈએ લઈ જવાની સોનેરી તક મળી છે. આપણા લક્ષ્યોને હાંસલ કરવા માટે તમામ નાગરિકોનું યોગદાન મહત્વપૂર્ણ હશે.’

તેમણે કહ્યું કે, ‘આ અઠવાડિયાની શરૂઆતમાં આપણે અયોધ્યામાં નવનિર્મિત ગૌરવશાળી નવા મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા નિહાળી. જ્યારે આ ઘટનાને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે છે, ત્યારે ભાવિ ઈતિહાસકારો તેને ભારતના સભ્યતાના વારસાની સતત પુનઃશોધમાં એક સીમાચિહ્નરૂપ ગણશે. મંદિરનું નિર્માણ યોગ્ય ન્યાયિક પ્રક્રિયા અને દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ શરૂ થયું. હવે તે એક ભવ્ય ઈમારત તરીકે ઉભું છે, જે માત્ર લોકોની આસ્થાની અભિવ્યક્તિ જ નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં લોકોના અપાર વિશ્વાસની સાક્ષી પણ છે.

રાષ્ટ્રપતિજીએ કહ્યું કે, ‘હું માનું છું કે નારી શક્તિ વંદન કાયદો મહિલા સશક્તિકરણ માટે ક્રાંતિકારી ટૂલ સાબિત થશે. આ આપણી ગવર્નન્સ પ્રક્રિયાઓને સુધારવામાં પણ ઘણી મદદ કરશે. તાજેતરના વર્ષોમાં મુખ્ય અર્થતંત્રોમાં આપણો GDP વૃદ્ધિ દર સૌથી વધુ રહ્યો છે અને આપણી પાસે વિશ્વાસ કરવાના ઘણા કારણો છે કે, આ પ્રદર્શન 2024 અને તે પછી પણ યથાવત્ રહેશે. ‘અમૃત કાળનો સમયગાળો અભૂતપૂર્વ તકનીકી ફેરફારોનો સમયગાળો હશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ્સ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહી છે. ભવિષ્યમાં ચિંતાના ઘણા ક્ષેત્રો છે, પરંતુ આગળ રોમાંચક તકો પણ છે, ખાસ કરીને યુવાનો માટે… તેઓ નવી સીમાઓ શોધી રહ્યા છે. અમે તેમના માર્ગમાંથી અવરોધો દૂર કરવા અને તેમને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા અમે તમામ પ્રયાસો કરીશું.

રાષ્ટ્રપતિજીએ ઉમેર્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકો અને ટેકનોલોજી નિષ્ણાંતો પહેલાં કરતાં વધુ ઊંચા લક્ષ્ય ધરાવે છે અને પરિણામ પણ આપી રહ્યા છે. G20 શિખર સંમેલને વૈશ્વિક દક્ષિણના અવાજ તરીકે ભારતના ઉદભવને પ્રોત્સાહન આપ્યું અને તેનાથી આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવશ્યક તત્વો ઉમેરાયા. સરકારે કલ્યાણ યોજનાઓનો વિસ્તાર અને વધારો તકરવા ઉપરાંત કલ્યાણના વિચારને પણ વ્યાખ્યાયિત કર્યો છે. આપણા બધા માટે તે ગર્વનો દિવસ હશો, જ્યારે ભારત કેટલાક દેશોમાંથી એક બની જશે, જ્યાં ઘરવિહોણા ભાગ્યે જ જોવા મળે છે.