અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસોથી રાજયના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. જેનું કારણ અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો હોવાનું છે. જેના કારણે દરિયાકાંઠેથી નજીકના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટાં ઠેર-ઠેર નોંધાયા છે. હવામાન ખરાબ થવાની આગાહીને પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા પીપાવાવ, જાફરાબાદ, વેરાવળ અને ઓખા સહિત સૌરાષ્ટ્રના નાના- મોટા બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે, તો મધદરિયે ગયેલા માછીમારોને હવામાન ખરાબ થવાનો ચેતવણીસૂચક સંદેશો મોકલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે માવઠું થાય તેવી સંભાવના હવામાન નિયામક મનોરમા મોહંતીએ દર્શાવી હતી.
પલટાયેલા વાતાવરણ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી મોરબીના નવલખી બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભાવનગર જીલ્લામાં ગઇકાલે સતત બીજા દિવસે વાદળીયું વાતાવરણ રહેવા પામ્યું છે. આથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ બંદર ઉપર ભય સૂચક એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વહિવટી તંત્રે માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપી છે. તલાળા ગીર પંથક તથા વેરાવળનાં ઘણા ગામોમાં કમોસમી ઝાપટાં પડયા હોવાના અહેવાલ છે.
(PHOTO-FILE)