ભુજઃ કચ્છના માંડવી બીચનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. અને રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બીચ પર કેટલાક ધંધાગારીઓ દ્વારા દબાણો વધી ગયા હતા, જેના લીધે પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી જેના લીધે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 કન્ટેનર તથા 137 જેટલા નાની-મોટી દુકાનો, લારી-ગલ્લા, વોટર સ્પોર્ટસને લગતાં દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. ઇલેકટ્રીસિટીનો અકસ્માત ન બને તે માટે સૌ પ્રથમ વીજ જોડાણ કાપવામાં આવ્યાં હતાં.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અર્શ હાશ્મી, મામલતદાર વિનોદ ગોકલાણી, નગરપાલિકા, વીજતંત્રની ટીમો કાર્યવાહીમાં જોડાઇ હતી. દબાણકર્તાઓની ચીજવસ્તુને નુકસાન ન થાય તે માટે અગાઉથી ત્રણ દિવસ પહેલાં મામલતદારની ટીમ દ્વારા રૂબરૂ જઇને દબાણ દૂર કરવા બાબતથી વાકેફ કરવામાં આવ્યા હતા તથા ઓટોરિક્ષામાં તે બાબતનું લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
પ્રવાસનની દૃષ્ટિએ માંડવી બીચને વિકસાવવામાં આવી રહ્યુ છે, ત્યારે આડેધડ વેપાર-ધંધાવાળાઓ પોતાની કાચી-પાકી કેબિનો ગોઠવી લીધી હોવાથી પ્રવાસીઓને અડચણરૂપ હોવાથી તંત્ર દ્વારા અગાઉથી દબાણો દુર કરવા તાકીદ કરવામાં આવી હતી. જેને પગલે આજે તમામ દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં. કેટલાક વેપારીઓએ વિરોધ કર્યો હતો, દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઇ ગઢવીએ વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાકું બાંધકામ છે જ નહીં, છેલ્લા 20 વર્ષથી હાથલારીવાળાઓ પોતાનો ધંધો કરી રોજગારી મેળવી રહ્યા છે. આ રીતે તેઓને ખસેડવાથી રોજગારીનો પ્રશ્ન ઊભો થશે. સરકારી તંત્રએ તેઓની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઇએ. દબાણની કામગીરીમાં રૂકાવટ અંગે પોલીસે કેટલાક વેપારીઓની અટકાયત કરી તેઓને છોડી મુકયા હતા.