અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કમિશનરે શહેરને સુરતની જેમ સ્વચ્છ બનાવવા અને રોડ પરના લારી ગલ્લાના દબાણો દુર કરવા માટે અધિકારીઓને તાકિદ કર્યા બાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં આવેલા વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, નિકોલ સહિતના વિસ્તારોમાં રોડના ફુટપાથ પરના દબાણો દુર કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણો દુર કરવાની ઝૂંબેશને કારણે લારી-ગલ્લાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ ઝોનની હદમાં ટી.પી. રસ્તા, જંક્શન પરના મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં વસ્ત્રાલ વોર્ડ, રામોલ હાથીજણ, નિકોલમાં શનિવારે મ્યુનિ. દ્વારા રસ્તા પરના દબાણ હટાવાયા હતા. કોર્પોરેશને લારીઓ, બાંકડા, ગેસની સગડી તેમ જ માલ-સામાન જપ્ત કર્યો હતો અને તેમના માલિકો સામે કાર્યવાહી કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાલ વોર્ડમાં તક્ષશિલા સ્કૂલ થઈ પાંજરાપોળ ચાર રસ્તાથી આર.એ.એફ. કેમ્પના સર્વિસ રોડ તથા ન્યૂ આર.ટી.ઓ રોડ સુધીના ટી.પી.રસ્તા તથા ફૂટપાથ પરથી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તેમ જ રામોલ હાથીજણ વોર્ડમાં જશોદનગર સર્કલ તથા લાલગેબી સર્કલથી એક્સપ્રેસ હાઈવેના સર્વિસ રોડ સુધીના ટી.પી.રસ્તા તથા ફૂટપાથ પરથી માલ-સામાન જપ્ત કરાયો હતો. નિકોલ વોર્ડના ખોડિયાર મંદિરથી દાસ ખમણથી ગંગોત્રી સર્કલ, શુકન ચાર રસ્તા, ભક્તિ સર્કલ સુધીના ટી.પી.રસ્તા અને ફૂટપાથ તથા જંક્શન પરથી નાના-મોટા બોર્ડ તથા રોડ પર કરાયેલા દબાણો મોટી સંખ્યામાં દૂર કર્યા હતા.મ્યુનિની દબાણ હટાવ ઝૂંબેશને કારણે રોડના ફુટપાથ પર ગેરકાયદે દબાણો કરેલા લારી ગલ્લાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.