Site icon Revoi.in

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં હેરિટેજ સ્થળો આસપાસના દબાણો દુર કરાયાં

Social Share

અમદાવાદઃ  શહેરના માણેકચોક વિસ્તારમાં હેરિટેજ સ્થળો આસપાસ લારીઓ અને પાથરણાવાળાએ દબાણો કરેલા હતા. તેથી હેરિટેજ સ્થળોની મુલાકાતે આવતા લોકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હેરિટેજ સ્થળોની આસપાસથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. માણેકચોક વિસ્તારમાં રાણીના હજીરા અને બાદશાહના હજીરા પાસેના લારી-ગલ્લાના દબાણોને દૂર કરાયા હતા.

એએમસીના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના માણેકચોકમાં દબાણો હટાવવાની કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત દોઠવવામાં આવ્યો હતો, અને રાણીના હજીરા અને બાદશાહના હજીરાની આસપાસ રહેલી લારીઓ, ટેબલ-ખુરશી તેમજ બેનરો દૂર કરવામાં આવ્યા હતા. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી સવારના સમયે કરવામાં આવી હતી. જોકે, રાણી હજીરો બાદશાહનો હજીરો માણેકચોક વિસ્તારમાં દિવસ દરમિયાન અને રાત્રે પણ ગેરકાયદેસર રીતે લારીઓ લગાવી દેવામાં આવે છે અને ટેબલ-ખુરશીઓ મૂકી દેવામાં આવે છે.

શહેરના માણેકચોક વિસ્તારમાં રાણીના હજીરા અને બાદશાહના હજીરાને પણ હેરિટેજ તરીકે જાહેર કરાયા છે. વર્ષોથી આ હેરિટેજ સ્થળો આસપાસન લારી-ગલ્લા અને પથરણાવાળાઓએ દબાણો કર્યા હતા. જેમાં લારીઓવાળાઓએ ગેરકાયદેસર રીતે ટેબલ-ખુરશી લગાવી દેતા હોવાથી હેરિટેજ સ્થળોની મુલાકાતે આવતા લોકોને મુશ્કેલી પડતી હતી. આ અંગેની ફરિયાદો ઊઠતા એએમસીના મધ્યઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. અને લારીઓ અને ટેબલ-ખુરશી પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા હવે આગામી દિવસોમાં પણ હેરિટેજ સ્થળો અને રોડ પરના દબાણ દુર કરવાની ઝૂબેશ ચાલુ રહેશે.  માણેકચોક ખાણી-પીણી બજારમાં લારી ધારકો પાસે લાઇસન્સ હોવાનું કહી પોલીસ દ્વારા પણ કોઈ પગલાં લેવાતા નથી.  જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ સહિત કેટલીક જગ્યાએ ઢોસાવાળા અને ચાઈનિઝ વાળાની લારીઓ પણ ઉભી રાખવા દેવા પરમિશન આપી દેવામાં આવી છે. જેના કારણે બહાર રોડ ઉપર લોકો વાહન મૂકી દેતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે.