Site icon Revoi.in

અમદાવાદમાં માણેકચોક વિસ્તારમાં રાણીના હજીરા નજીકના દબાણો દુર કરાયાં

Social Share

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો થયેલા છે. જેમાં માણેકચોક વિસ્તારમાં તો દુકાનદારોએ દબાણો કરતા રસ્તાઓ સાંકડા બની ગયા છે તેના લીધે ટ્રાફિકના પ્રશ્નો પણ વિકટ બન્યા છે. દરમિયાન શહેરના મ્યુનિ.કમિશનરે ગેરકાયદે દબાણો દુર કરવા માટે એસ્ટેટ વિભાગને કડક કાર્યવાહી કરવાની સૂચના અપાયા બાદ શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક પાસે આવેલા હેરિટેજ સ્થળ એવા રાણીના હજીરા પાસે આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. અહમદશાહ બાદશાહ અને રાણીના હજીરા વિસ્તારમાં આસપાસમાં ગેરકાયદેસર રીતે તાડપત્રીઓ બાંધી અને વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આસપાસના દબાણો દૂર કર્યા હતા.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મધ્ય ઝોન વિસ્તારમાં માણેકચોકમાં વર્ષોથી અનેક ગેરકાયદેસર દબાણો કરાયેલા છે. જે આજદિન સુધી દૂર થયા નહોતા જેને દૂર કરવાની અનેક વખત સૂચનાઓ છતાં પણ કામગીરી કરવામાં આવતી નહોતી. માણેકચોકમાં રાત્રે AMC પાર્કિંગની જગ્યાની આસપાસ પણ લારીઓ ઉભી રાખી અને લોકોને બહાર બેસાડી જમાડવામાં આવે છે. માત્ર ત્યાં લારી ઊભી રાખવાની પરમિશન હોવા છતાં પણ લોકોને બેસાડી અને ખવડાવવામાં આવે છે, જેના કારણે રોડ ઉપર દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી. ગેરકાયદેસર રીતે દબાણ કરી અને ત્યાં લારીઓ ઊભી રાખવામાં આવતી હતી. અને આવા દબાણો હટાવવા માટે મ્યુનિ.ને ફરિયાદો પણ મળી હતી.

અમદાવાદ શહેરમાં એસ્ટેટ વિભાગની કામગીરી સામે હંમેશા સવાલો ઊભા થઈ રહ્યા છે. દિન પ્રતિદિન એસ્ટેટ વિભાગની ટીમ યોગ્ય આયોજન વિના ગમે તેમ કામગીરી કરે છે, જેના કારણે લોકોનો રોષનો ભોગ બનવો પડે છે. એક તરફ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર શહેરમાં રામમય માહોલ છે. ત્યારે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ  ખોખરા વિસ્તારમાં ભગવાન શ્રીરામના લાગેલા બેનરો ઉતારી લેતા સ્થાનિક વેપારીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ એસ્ટેટ વિભાગનાં કર્મચારીઓ પર રોષે ભરાયા હતા.