Site icon Revoi.in

રાજકોટમાં ડ્રાયફ્રૂટના ભાવમાં 25થી 30 ટકાનો ઘટાડો, તહેવાર સમયે લોકોને મોટી ગીફ્ટ

Social Share

તહેવારના સમયે આમ તો મોટા ભાગે તમામ વસ્તુઓના ભાવ વધતા જોવા મળતા હોય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયમાં ડ્રાયફ્રુટના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા લોકોને રાહત થઈ છે. વાત એવી છે કે રાજકોટ શહેરના બજારોમાં જે વેપારીઓ ધંધો કરે છે તેમના દ્વારા ડ્રાયફ્રુટની કિંમતમાં 25થી 30 ટકા સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી લોકોએ ઘરે રહીને જ તહેવારોની ઉજવણી કરી હતી.ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે આ વર્ષે દિવાળીની ઉજવણી લોકો દ્વારા ધૂમધામથી કરવામાં આવશે.દિવાળીને બસ ગણતરીના જ દિવસો બાકી છે.
ગયા વર્ષે બદામના 1000,1200,1400 રૂપિયા હતા,જ્યારે અત્યારે બજારમાં 600,700,800,900 રૂપિયા ભાવ થઈ ગયો છે. જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ડ્રાયફ્રૂટનું વેચાણ કરતા વેપારીઓ પણ રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે. વેપારીઓની ધારણા મુજબ આ વર્ષે કોર્પોરેટ કંપનીના 50 ટકા ઓર્ડર વધે એવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે,દિવાળીના તહેવાર અને શિયાળામાં ડ્રાયફ્રૂટની ખરીદી સામાન્ય દિવસો કરતાં વધુ રહેતી હોય છે.

અફઘાનિસ્તાનમાં વણસેલી તંગદિલીને લઇને ડ્રાયફ્રૂટ આવવાનું બંધ થઈ ગયું હતું, પરંતુ હવે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સામાન્ય બનતાં હવે ડ્રાયફ્રૂટના ભાવમાં 25 થી 30 % નો ઘટાડો આવ્યો છે, આથી બજારમાં ઘરાકી વધી છે.ગત વર્ષે કોરોનાને કારણે ઘરાકી રહી નહોતી, આથી આર્થિક ફટકો પડ્યો હતો, જે આ વર્ષે ભરાય એવી શક્યતા છે.