Site icon Revoi.in

અમદાવાદ APMCમાં લીલા શાકભાજીના ભાવમાં થયો વધારો, લીંબુ ભાવ કિલોના 150થી 200 બોલાયા

Social Share

અમદાવાદઃ ઉનાળા વધતા જતા તાપમાનને લીધે માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. અમદાવાદના એપીએમસી માર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રીંગણ, ફુલાવર, વાલોર, બટાકા, મરચા, દૂધી, ભીંડા, કારેલા, કોથમીર વગેરેના ભાવમાં વધારો થયો છે. યાર્ડમાં હરાજીમાં આદુ અને લીંબુના ભાવ પ્રતિ કિલો 150થી 200નો ભાવ બોલાયો હતો.

અમદાવાદના એપીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ  ગરમીને લીધે લીલા શાકભાજીની આવકમાં 10થી 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. પહેલા રોજ 18થી 19 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક હતી. જે ઘટીને 14થી 15 હજાર ક્વિન્ટલ થઈ ગઈ છે. એટલે આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જો કે, ડુંગળી, કોથમીર, સૂકું લસણ, મરચા, અને ટામેટાના ભાવ યથાવત જોવા મળી રહ્યા છે, જ્યારે લીંબુ, ચોળી, આદુ, કારેલા, ગુવાર, ટીંડોળાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. શાકભાજી માર્કેટના વેપારીઓના કહેવા મુજબ શાકભાજીના ભાવમાં થતી વધઘટ જથ્થા અને માંગ આધારિત નક્કી થાય છે.

લીલા શાકભાજીના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ શાકભાજીની ક્વોલિટી અને જથ્થો, આયાત-નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચને આધારે શાકભાજીના ભાવ નક્કી થતા હોય છે. અઠવાડિયા પહેલા રૂ.130માં પ્રતિ કિલોના ભાવે મળતું આદું હાલમાં 150થી 200 વેચાય છે. જ્યારે લીંબુ રૂ.110ના બદલે 150થી 200માં વેચાય છે, ચોળી રૂ.130, ગવાર રૂ.80, કારેલા રૂ.70થી 80 પ્રતિ કિલોના ભાવે મળે છે. હોલસેલમાં 25 રૂપિયે મળતા બટાકા છૂટક બજારમાં 40 રૂપિયા સુધી વેચાય છે. ઉનાળાના પ્રારંભથી એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટી રહી છે. પહેલા રોજની 18થી 19 હજાર ક્વિન્ટલ શાકભાજી આવતું હતું. જે ગરમીમાં ઘટીને 14થી 15 હજાર ક્વિન્ટલ થઇ ગયું છે. આમ સરેરાશ 3થી 4 હજાર ક્વિન્ટલ શાક ઓછું આવે છે. જેથી ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.