મોંધવારીનો મારઃ ડુંગળીના ભાવમાં 20નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
- 15 દિવસમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલો રૂ. 50 પર પહોંચ્યો
- પાછોતરા વરસાદના કારણે ડુંગળીના પાકને અસર
- હાલ મહારાષ્ટ્રથી ડ઼ુંગળીની આયાત કરવા વેપારીઓ મજબુર
- આગામી એકાદ મહિનામાં નવો પાક આવે તેવી શકયતાઓ
અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી વાહનચાલકો ઉપર ભારણ વધ્યું છે. અમદાવાદ સહિત શહેરના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100 પ્રતિ લીટરને વટાવી ચુક્યો છે. ઈંધણના ભાવ વધારાને લઈને જીવનજરૂરુ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે ડુંગળીના વધતા ભાવોએ લોકોને રડાવ્યાં છે. ડૂંગળીના ભાવમાં પ્રતિકિલોએ રૂ. 20થી 25 સુધીનો વધારો થયો છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ડુંગળીનો પાક પાછોતરા વરસાદને કારણે નિષ્ફળ જતા અન્ય રાજ્યોમાંથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે પાછોતરા વરસાદના કારણે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને પડતા ઉપર પાડા જેવો ઘાટ ઘડાયો હોય તેમ મુશ્કેલીમાં વધારો થયો છે. જેની અસર ડુંગળીના ભાવમાં જોવા મલી રહી છે. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ રૂ. 20થી 25 સુધીનો વધારો થયો છે. હાલ ડુંગળીનો ભાવ પ્રતિકિલો રૂ. 50ને પાર પહોંચ્યો છે. છુટક બજારમાં ડુંગળીના બાવમાં રોજે રોજ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ડુંગળીના પાકને વ્યાપક નુકશાન થયું હતું મહારાષ્ટ્રમાંથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે. હવે નવો પાક આગામી એકાદ મહિનામાં આવે તેવી શકયતા છે. જેથી નવો પાક માર્કેટમાં આવ્યાં બાદ જ ભાવમાં ઘટાડો થવાની શકયતાઓ વેપારીઓએ વ્યક્ત કરી હતી.