કોરોના વચ્ચે મોંઘવારીનો વધુ એક મારઃ હવે ચા પણ લાગશે કળવી, ખાંડના ભાવ વધ્યાં
અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. દૂધ અને ખાદ્યતેલના ભાવ પણ વધ્યાં છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખાંડના ભાવમાં પ્રતિ કિલો લગભગ રૂ. 2નો વધારો થયો હોવાનું જાણવા મળે છે. આગામી સાતમ-આઠમના તહેવારોમાં ખાંડની માંગ વધી શકે છે અને હજુ પણ ભાવમાં વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.
શ્રાવણ માસની શરુઆત થતાની સાથે ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે, બીજી તરફ ખાદ્યતેલથી લઈ અનેક ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. હવે ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ રૂા. બેનો વધારો થયો છે. અગાઉ એક જાણીતી કંપનીના દૂધના ભાવમાં પણ વધારો થયો હતો. ગત મહિને સરકાર દ્વારા ખાંડનો ક્વોટો જાહેર કરાયા બાદ માત્ર 14 દિવસમાં ક્વિન્ટલ એટલે કે 100 કિલોએ રૂા.150થી 200નો વધારો કરાયો છે. હોલસેલમાં ખાંડ ડી-1 ક્વિન્ટલના ભાવ રૂા .3400 હતા તે વધીને હવે રૂા.3550 થયા છે. જ્યારે ખાંડ સી-1 ક્વિન્ટલના ભાવ રૂ.3550 હતા તે વધીને 3750 થયા છે. ખાંડ એક કિલોનો ભાવ જ્યાં રૂા.37.50 થી રૂ .38 હતો તે વધીને રૂા .40એ પહોંચ્યો છેય
વેપારીઓના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે ગત માસે 22 લાખ ટન ખાંડનો ક્વોટો જાહેર કર્યો છે. આગલા માસ કરતાં એક લાખ ટન ખાંડનો ક્વોટો ઓછો જાહેર કરતાં ખાંડના ભાવ વધી રહ્યા છે . બીજી તરફ્ ખાંડનો ઓછો ક્વોટો અને કોરોના મહામારી બાદ સમગ્ર દેશમાં હોટલો સહિતના ઉધોગોમાં ખાંડની ડિમાન્ડ વધી છે જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે.