અમદાવાદઃ મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. જેમાં હાલ મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે, ત્યારે તમામ મસાલાના ભાવમાં વધારો થયો છે. જેમાં ધાણા જીરૂં, મરચા અને હળદર, સહિત તમામ મસાલાના ભાવમાં વધારો થયો છે. જીવન જરૂરિયાતની ખાદ્ય-વસ્તુઓમાં સતત વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલક કફોડી બની છે. મોટાભાગના પરિવારો એકસાથે મરચાં, મસાલા ભરતા હોય છે. ઓછા ઉત્પાદનના કારણે મસાલાઓની કિંમત સતત વધતી જોવા મળી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે ડ્રાયફ્રૂટ્સ કરતાં તો મસાલા મોંઘા થઈ ગયા હોય એમ લાગે છે. જેમાં કાશ્મીરી લાલ મરચાની કિંમત રૂા.850 પ્રતિ કિલો છે, જે બદામ કરતા પણ વધુ છે. એવી જ રીતે, જીરું કે જે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા અન્ય મસાલામાં સમાવિષ્ટ છે તેની કિંમત પણ છૂટક બજારમાં 600 રૂપિયા પ્રતિ કિલો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે પાકની માઠી અસર થઈ હતી. આ દરમિયાન પાકને નોંધપાત્ર નુકસાન પણ વેઠવું પડયું છે. એની સીધી અસરનાં કારણે ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે લાલ મરચાં અને જીરાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષે જીરુંના રૂ.325 પ્રતિ કિલોના ટોચના ભાવની સામે આ વર્ષે ભાવ રૂા.450 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આ વર્ષે પ્રતિકુળ હવામાન પરિસ્થિતિઓને કારણે મરચા અને જીરાના પાકની ગુણવત્તા પર અસર થઈ છે. માધુપુરા સ્પાઇસ માર્કેટના અંદાજા પ્રમાણે કાશ્મીરી લાલ મિર્ચનો ભાવ ગત વર્ષે 500 રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને આ વર્ષે 850 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતમાં મરચાનાં ઉત્પાદનના મુખ્ય રાજ્યોમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. જો કે આ વર્ષે લગભગ 35 ટકા પાકને નુકસાન પહોંચ્યું હોવાથી આયાત અને નિકાસમાં પણ આડકતરી અસર થઈ છે. પાકની વધતી જતી માગને કારણે હવે ભાવ આસમાને પહોંચી ગયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.