અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે ફુલોના ભાવમાં પણ વધારો થયો છે. ફૂલોની માગ તહેવારમાં એકાએક વધી ગઈ છે. પ્રકાશનું પર્વ નજીક છે અને ધનતેરસથી પર્વશૃંખલા શરૂ થઈ રહી હોવાથી ફૂલોની માગના દિવસો શરૂ થયા છે. એટલે ફુલોના ભાવ ટોચ પર પહોંચવા માંડયા છે. ગુલાબના પાકમાં બગાડ અને હવે ખૂલનારી માગને લીધે ભાવ ત્રણ ગણા વધી ગયા છે. દિવાળી નજીક આવતા હજુ પણ ભાવ વધશે.તેવું ફુલોના વેપારીઓ જમાવી રહ્યા છે.
ફુલોના વેપારીઓના જણાવ્યા મુજબ દિવાળીના દિવસોમાં દેશી અને ડિવાઇન ગુલાબની ધૂમ માગ રહે છે, જોકે અત્યારે માગ ઓછી છે પણ હવે કાલે સોમવારથી ખૂબ ખરીદી નીકળે તેમ છે. પહેલા ભાવ ઉંચકાઈ ગયા છે અને માગ વધતા વધુ તેજી આવશે. આ વર્ષે ભારે વરસાદ પછી ગુલાબના પાકમાં જાત જાતના રોગ થઈ ગયા છે. ખેડૂતોને ધારણા પ્રમાણે ફૂલનો ઉતારો આવતો નથી એટલે ભાવ ઉંચા રહ્યા છે. નવરાત્રિ વખતથી ભાવ ઉંચા છે. સામાન્ય દિવસોમાં દેશી ગુલાબ એક કિલોએ રૂ. 30થી 50ના જથ્થાબંધ બજારમાં વેચાતા હોય છે. અત્યારે તેનો ભાવ રૂ. 150-200 થઈ ગયો છે. ધનતેરસથી ફરી ભાવ વધશે એ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે.
ફુલ બજારના જથ્થાબંધ વેપારીઓના રહેવા મુજબ ડિવાઇન ગુલાબનો ભાવ રાજકોટની જથ્થાબંધ ફૂલ બજારમાં રૂ. 250 પ્રતિ કિલો થઈ ગયો છે. સામાન્ય દિવસોમાં રૂ. 80-90માં મળતા હોય છે. લીલીમાં એક હજાર નંગનો ભાવ રૂ. 120 જેટલો ચાલે છે. લીલીની માગ ઓછી રહેતી હોય છે એટલે તેના ભાવમાં સુસ્તી છે. ફૂલબજારમાં અત્યારે ગલગોટાની પણ માગ હોય છે પણ તેનું ઉત્પાદન સારું છે એટલે ભાવમાં રૂ. 10-20 જેટલો જ વધારો થયો છે. ગલગોટાનો ભાવ રૂ. 50-60 પ્રતિ કિલો ચાલે છે. દિવાળી ઉપર હજુ થોડો ભાવ વધારો આવશે. પીળા-કેસરી ગલગોટા સાથે સફેદ સેવંતી દેખાવમાં સુંદર લાગે છે એટલે સેવંતી પણ ઓન ડિમાન્ડ હોય છે. ફૂલબજારમાં અત્યારે ગુલાબ, લીલી, ગલગોટા અને સેવંતીની માગ અત્યારે રહેતી હોય છે. લગ્નપ્રસંગો વખતે જરબેરા, ડચ ગુલાબની માગ રહે છે. અત્યારે જરબેરાનો ભાવ રૂ. 100 પ્રતિ 10 નંગ ચાલે છે, જ્યારે ડચ ગુલાબનો ભાવ 20 નંગ લેખે રૂ. 220 જેટલો બોલાય છે. બન્ને ફૂલ પૂનાથી લાવવામાં આવે છે.