રાજકોટઃ શિયાળાની ગુલાબી ઠંડીનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. સાથે જ માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં પણ વધારો થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં લીલાછમ શાકભાજીની વિવિધ 34 જણસીની મબલખ આવક થતા યાર્ડ શાકભાજીથી છલકાઇ ઉઠ્યું હતું. આવક બમણી થવાની સાથે જ ભાવ પણલગભગ અડધા થઇ ગયા છે. વહેલી સવારે થયેલી હરાજીમાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓને રાહત થશે.
રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે યાર્ડમાં વિવિધ 34 પ્રકારના શાકભાજીની આવક થઈ હતી જેમાં લીંબુ, બટેટા, સુકી ડુંગળી, ટમેટા, કોથમરી, મુળા, રીંગણા,કોબીજ, ફલાવર, ભીંડો, ગુવાર, ચોળાસીંગ, વાલોર, ટીંડોરા, દુધી, કારેલા, સરગવો, તુરીયા, પરવર, કાકડી,ગાજર, વટાણા, તુવેરસીંગ, ગલકા, બીટ, મેથી, વાલ, લીલી ડુંગળી, આદુ, લીલા ચણા, લીલા મરચા, લીલી હળદર, લીલું લસણ, લીલી મકાઇ સહિતનો સમાવેશ થાય છે. શિયાળાના પ્રારંભે નવી સિઝનની શરૂઆતમાં જ લગભગ તમામ શાકભાજીના ભાવમાં સરેરાશ પચાસ ટકાનો ઘટાડો થયો છે. જેમાં ટમેટા સૌથી સસ્તા પ્રતિ કિલોના રૂ.15ના ભાવે વેંચાયા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે અમુક શાકભાજીની અન્ય રાજ્યોમાંથી આયાત કરવામાં આવતી હતી, હવે સ્થાનિક ઉત્પાદન ખૂબ સારું થતા તેમજ અમુક રાજ્યોમાં ભારે વરસાદ અને ત્યારબાદ માવઠાને કારણે પાક નિષ્ફળ જતા રાજકોટ યાર્ડમાંથી અન્ય રાજ્યોમાં શાકભાજીની નિકાસ શરૂ થઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીમાં સૌથી વધુ 76,800 કિલો ટમેટાની આવક થઇ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.300થી 500 રહ્યો હતો. હાલ ટમેટાની પુષ્કળ આવક થઇ રહી છે, જ્યારે બે-ત્રણ મહિના પૂર્વે એવી સ્થિતિ હતી કે મહારાષ્ટ્રના નાસિક અને સંગમનેરથી ટમેટાની આયાત કરવી પડતી હતી.
આ ઉપરાંત રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાલુ સપ્તાહથી લીલા લસણની આવક શરૂ થઈ ગઈ છે પણ હજુ આવકની શરૂઆત જ થઈ હોય શાકભાજીમાં લીલું લસણ સૌથી મોંઘા ભાવે રૂ.70નું કિલો વેંચાઇ રહ્યું છે. આજે 2500 કિલોની આવક સામે પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.700થી 1400 રહ્યો હતો. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે મગફળી અને કપાસ પછી ત્રીજા ક્રમે સૌથી વધુ વાવેતર શાકભાજીનું થયું હતું, વરસાદ સારો થતા ઉત્પાદન પણ પુષ્કળ આવ્યું હોય હાલ યાર્ડમાં દરરોજ ચિક્કાર આવક થઈ રહી છે. જળાશયો ભરેલા હોય ઉનાળામાં પણ શાકભાજીનું વાવેતર કરવાની સાનુકુળતા રહેશે.