વિટામિન-સી મળે તેવા ફ્રુટના ભાવમાં થયો વધારો, મજબૂર લોકો ઉંચા ભાવે ફ્રુટ ખરીદવા મજબૂર
- વિટામિન-સી મળતા ફ્રૂટના ભાવમાં વધારો
- મજબૂર લોકોને વધુ એક ફટકો
- હવે ફ્રુટનો વેપાર કરનારાઓ પણ ખિસ્સા ભરશે
અમદાવાદ: કોરોનાવાયરસની મહામારી સમગ્ર દેશમાં ફેલાઈ છે. લોકોને કેટલીક જરૂરીયાતની વસ્તુઓ મળી રહી નથી. ક્યાંક લોકો પાસે ઓક્સિજનના સિલિન્ડર ખરીદવાના પુરતા રૂપિયા નથી તો કોઈકને તો ઓક્સિજન જ નથી મળતો. આવા સમયમાં હવે વિટામિન-સી મળે તેવા ફ્રુટના ભાવમાં પણ વધારો થયો છે.
કોરોના સામે અકસીર ગણાતા ફ્રૂટના ભાવમાં વધારો થયો છે, લીંબુ, મોસંબી, અને સંતરાના ફ્રૂટની માગ વધી છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારતા ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા છે. જાગૃત લોકો લીંબુ પાણી તેમજ મોસંબી અને સંતરાના રસનું સેવન વધુ કરી રહ્યા છે. સાથે સાથે આયુર્વેદિક ડોક્ટરો પણ આવા ફ્ળોના રસ પીવાની સલાહ આપતા બજારમાં માંગ ખૂબ વધી જવા પામી છે. જેના કારણે અગાઉ ૫૦ થી ૬૦ રૂપિયા કિલો મળતા લીંબુ આજે ૧૦૦ રુપિયે મળી રહ્યા છે અને મોસંબી અને સંતરા ૫૦ રૂપિયા કિલો મળતા હતા જે આજે ૨૦૦ રૂપિયા કિલો બજારમાં વેચાઇ રહ્યા છે.
આયુર્વેદિક દ્રષ્ટિએ લીંબુનું મહત્વ વિશેષ જોવા મળે છે ઉનાળામાં કેટલાક લોકો દેશી ઠંડાં પીણાંને બદલે લીંબુનો રસનો વધારે ઉપયોગ કરતા હોય છે. શિયાળામાં લીંબુની માગ ઓછી થતા ભાવ નીચા હોય, પરંતુ હાલ કોરોના મહામારીને લઈને માંગ વધવાની સાથે-સાથે આવાં ફ્ળોની આવક ઓછી હોવાથી ખૂબ ઊંચા ભાવે વેચાઇ રહ્યા છે. ત્યારે આવા ફ્ળોની આયાત નહીં થાય ત્યાં સુધી ભાવ ઊંચા રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.