Site icon Revoi.in

સાતમ-આઠમ તહેવારોને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં થયો વધારો

Social Share

અમદાવાદઃ જન્માષ્ટમીના પર્વને લીધે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ્સએ રજાઓ જાહેર કરી છે. ઉપરાંત અમદાવાદ સહિતના માર્કેટયાર્ડ્સમાં પણ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. બહારગામની આવકમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ તો શાકભાજીની આવક ઘટી ગઈ છે. એટલે આવક ઘટતા લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટ્રમીની રજા પૂર્વે હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, ફાસ્ટ ફડ પાર્લર્સ દ્વારા શાકભાજીની ધૂમ ખરીદી કરી લેવામાં આવી હતી. હાલ ગુજરાતભરમાં વરસાદી વાતાવરણ છે. ખેતરોમાં પાણી ભરાયેલા છે. તેના લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થયો હતો. અને તહેવારોને લીધે જે થોડીઘણી આવક હતી તેને પણ બ્રેક વાગી જતાં હાલ શાકબાજીના ભાવમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં તાજેતરના વરસાદ બાદ શાકભાજીની આવકો ઘટીને તળિયે પહોંચી ગઇ હતી. એક તરફ વરસાદના લીધે ખેતરમાંથી શાકભાજી ઉપાડી યાર્ડમાં લાવવું મુશ્કેલ બન્યું છે, બીજી બાજુ જન્માષ્ટ્રમીની રજાઓ પૂર્વે હોટેલ્સ, રેસ્ટોરન્ટસ અને ખાણીપીણીના ધંધાર્થી દ્વારા ધૂમ ખરીદી કરવામાં આવી રહી હોય ભાવમાં વધારો થયો છે.

રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય દિવસોમાં શાકભાજીની 35થી 40 જેટલી જણસીઓની આવક થતી હોય છે જે હાલમાં ઘટીને 27 જેટલી થઇ ગઇ છે. શ્રાવણમાં શાકભાજીમાં સૌથી વધુ આવક બટેટાની થઇ રહી છે. વરસાદના લીધે ખેતરમાંથી શાકભાજી ઉપાડવું અને યાર્ડ સુધી લાવવું મુશ્કેલ બન્યું હોય તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જન્માષ્ટમીનો ઉત્સવી માહોલ બની ગયો હોય હવે ખેડૂતો યાર્ડમાં આવવાનું ટાળે છે. યાર્ડમાં હોલસેલ માર્કેટમાં ભાવ વધતા રિટેલ શાક માર્કેટમાં પણ બેથી ત્રણ ગણા ભાવ વધ્યા છે.