ગુજરાત ગૌરવ ગાથા-1 : શું તમે જાણો છો, ઘોરીની ગુજરાતીના હાથે હાર, ગઝનવી-અકબરને ટક્કર ગુજરાતનું “પાણિપત” અને “જલિયાંવાલા બાગ”!
આનંદ શુક્લ
- મહમૂદ ગઝનવી સામે ટક્કર
- મુહમ્મદ ઘોરી-કુતુબુદ્દીન ઐબકની હાર
- ભૂચર મોરીમાં અકબરના લશ્કર સામે ટક્કર
- ગુજરાતનું “પાણિપત” કચ્છના ઝારાનું યુદ્ધ
- ગુજરાતનો “જલિયાવાલાં બાગ હત્યાકાંડ”
ગુજરાતને વેપારી પ્રજા અથવા તો દાળ-ભાત ખાતા લોકોના રાજ્ય તરીકે ઓળખીને કેટલાક દ્વારા ઉતારી પાડવામાં આવે છે. પરંતુ ગુજરાતની ઓળખ અહીં સુધી જ મર્યાદીત નથી. ગુજરાત પ્રાચીનકાળથી ભારતના સાંસ્કૃતિક કેન્દ્રોને મજબૂત કરવાનું સ્ત્રોત રહ્યું છે. ગુજરાતના લોકોની વીરતાની પણ ઘણી મોટી વાતો અને તથ્યો ઈતિહાસના ગર્ભમાં સમાયેલા છે. આવી જ કેટલીક ગુજરાતના ઈતિહાસની વાતો મૂકવાનો પ્રયાસ કરવો છે.
ઈતિહાસ દર્પણ-1 :ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. પૂર્વે 220માં બનેલું શકુનિકા વિહાર જૈન મંદિર હતું!
મહમૂદ ગઝનવી સામે ટક્કર-
જેમાં મહમૂદ ગઝનવી નામના ગઝનાના લૂંટારા મુસ્લિમ આક્રમણખોરની સામે લડનારા સોલંકી રાજા ભીમદેવ સોલંકી અને મહમૂદ ગઝનવીને પાછા જતી વખતે ભારે પડનારા ગુજરાતના વીરોની વાતો ક્યારેક જ યાદ કરવામાં આવે છે. પરંતુ સોમનાથ મંદિરના વારંવાર ધ્વસ્ત થવા અને તેના ફરીથી જીર્ણોદ્ધાર કરવા કરવાના ઘટનાક્રમો ગુજરાતની વીરતા વાર્તા નથી તેનું સૌથી મોટું પ્રમાણ છે. ભારતરત્ન અને ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે ભગવાન શિવના પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું હતું અને આજે ભારતીય સંસ્કૃતિને અણનમ બનાવીને સોમનાથ દાદાનું મંદિર સમુદ્રતટે અડિખમ ઉભું છે. સોમનાથ મંદિરના સતત થયેલા વિધ્વંસને રોકવા આપવામાં આવેલા અસંખ્ય બલિદાનો અને તેનો સતત જીર્ણોદ્ધાર ભારતીય સંસ્કૃતિની આક્રમકો સામેની અણનમતાનો પુરાવો છે.
મુહમ્મદ ઘોરી-કુતુબુદ્દીન ઐબકની હાર-
ગુજરાત વીરતાની અણનમતા બીજા મુસ્લિમ લૂંટારા શાહબુદ્દીન મુહમ્મદ ઘોરીની સામે પણ રહી હતી. શાહબુદ્દીન મુહમ્મદ ઘોરી ભારતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરનાર આક્રમણખોર હતો. આ ઘોરીએ ભારત પર પહેલું આક્રમણ લગભગ મહમૂદ ગઝનીના પગલે મુલ્તાન-ગુજરાતના રસ્તે કર્યું હતું. પરંતુ મુહમ્મદ ઘોરીને આઠ વર્ષના બાળરાજા મૂળરાજ-2ના સંરક્ષક મહારાણી નાયિકી દેવીના રાજપૂત સૈન્ય સામે હરાવવામાં આવ્યો હતો. આ હાર એટલી ભીષણ હતી કે મહારાણી નાયિકી દેવીએ માઉન્ટ આબુ નજીક લડાયેલા યુદ્ધમાં મારેલી તલવારથી મુહમ્મદ ઘોરીનો પૃષ્ઠ ભાગ ચિરાયો હતો અને કેટલાક જાણકારો દાવો પણ કરે છે કે ઘોરી નાયિકીદેવીની તલવારના ઘાથી નપુંસક બન્યો હતો. શાહબુદ્દીન મુહમ્મદ ઘોરીને હરાવનાર નાયિકી દેવીના પુત્રી કુમારદેવીએ દિલ્હીની મુસ્લિમ સલ્તનતના પ્રથમ સુલ્તાન કુતુબુદ્દીન ઐબકને હરાવ્યો હતો. કુતુબુદ્દીન ઐબક મુહમ્મદ ઘોરીનો એક તુર્ક ગુલામ હતો. તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને ઘોરીએ દિલ્હીની ગાદી પર મુસ્લિમોના શાસનની શરૂઆત કરી હતી. પરંતુ ઘોરી પાછો અફઘાનિસ્તાન ચાલ્યો ગયો અને દિલ્હીના શાસનની બાગડોર પોતાના વિશ્વાસુ ગુલામ કુતુબુદ્દીન ઐબકને સોંપતો ગયો હતો.
ભૂચર મોરીમાં અકબરના લશ્કર સામે ટક્કર-
એક મુસ્લિમ વ્યક્તિ માટે ગુજરાતના રાજપૂતોએ પોતાના બલિદાનોની હેલી ખડકી દીધી હતી અને દિલ્હીના મુઘલ શહેનશાહ અકબર મહાન સામે ટક્કર લીધી હતી. ગુજરાતના મુસ્લિમ સુલ્તાન મુઝફ્ફરશાહ ત્રીજાને શહેનશાહ અકબરે હરાવ્યો હતો. મુઝફ્ફરશાહ ત્રીજાને નવાનગરના રાજા જામ સતાજીએ બરડા ડુંગરમાં આશરો આપ્યો હતો. અકબરનો અમદાવાદ ખાતેનો સુબો મિર્ઝા અઝીઝ લશ્કર લઈને જામનગર (નવાનગર) જવા નીકળ્યો હતો. પરતું જામ સતાજીના સૈન્યે તેને રસ્તામાં આંતરીને હરાવ્યો હતો. પોતાના સુબાની હાર નહીં પચાવી શકેલા અકબરે દિલ્હીથી હજારો સૈનિકોની ફોજ મોકલી હતી. જામ સતાજીએ ભૂચર મોરી ખાતે અકબરના લશ્કરને પડકાયું હતું. ત્રણ માસ સુધી સામસામે હુમલા થયા અને અકબરનું સૈન્ય હાર્યું હતું. જામ સતાજીને સમાધાન માટે કહેણ મોકલવામાં આવ્યું હતું. જામ સતાજીનો વિજય હતો. પરંતુ આ યુદ્ધમાં તેમની સાથે રહેલા જૂનાગઢના દોલતખાને અને કુંડલાના કાઠી ખુમાણે દગો કર્યો અને બાદશાહ સાથે મળી ગયા. બાદશાહે મંત્રણા રદ્દ કરીને યુદ્ધ થયું. આ યુદ્ધમાં એક મુસ્લિમ વ્યક્તિ માટે રાજપૂત રણબંકાઓએ ભૂચર મોરીની ધરતીને મુઘલોના રક્તથી લાલ કરી નાખી હતી. આ યુદ્ધમાં જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતા અને મિંઢળબંધા રણશૂરા જામ અજાજી 500 જાનૈયાઓ સાથે લગ્નમંડપથી સીધા ભૂચરમોરીના રણમેદાનમાં પહોંચ્યા હતા. સેંકડો રાજૂપત વીરો સાથે કુંવર જામ અજાજી પણ વીરગતિ પામ્યા હતા. આ યુદ્ધમાં અકબર મહાનનું લશ્કર જીતીને પણ હારી ગયું હતું.
વીર ગાથા-1: મહારાજા સૂરજમલ માટે મુઘલો કહેતા- ‘અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’
ગુજરાતનું “પાણિપત” કચ્છના ઝારાનું યુદ્ધ-
ગુજરાતની વીરતા અને ખમીર કચ્છના રણથી માંડીને ભરૂચ સુધીના વિસ્તારોમાં ઈતિહાસના પૃષ્ઠોમાં વેરાયેલું છે. જો કે આ ગુજરાતના ખમીરને એક તાંતણે પરોવવાનું કામ ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતું જેવા સાહિત્ય શિરોમણિઓએ સુપેરે કર્યું છે, પરંતુ હજીપણ વધારે કામ કરવાની જરૂર છે. કચ્છની ધરતીના શૂરવીર માંડુઓની વીરતા પણ અનોખી છે. 1761માં પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા લશ્કરની હાર અને એક લાખથી વધુના બલિદાનોની તો ઈતિહાસના પૃષ્ઠોમાં ખૂબ ચર્ચા થાય છે. પરંતુ 1762માં કચ્છના ઝારાના ડુંગરોમાં લડાયેલું સિંધના સુલ્તાન સામેના ભીષણ યુદ્ધની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે થતી નથી અને ગુજરાતમાં જ ક્યારેક કોક ઠેકાણે કરવામાં આવે છે. પરંતુ ઝારાનું 1762નું યુદ્ધ ગુજરાતનું ‘પાણિપત’ હતું. આ યુદ્ધમાં પૂંજા સેઠના દગાએ કચ્છના મહારાવ સામે મુસીબત ઉભી કરી હતી અને પૂંજા સેઠના દીકરાએ ધરતીનું લૂણ ચુક્યું હતું. કચ્છી માંડુઓએ સિંધના સુલ્તાનના લશ્કર સામે નાતજાત, ધર્મ ભૂલીને બાથ ભીડી હતી. કચ્છી જાડેજાઓની શૂરવીરતાના પ્રતાપે સિંધના સુલ્તાનનું કચ્છ કબજે કરવાનું સપનું રોળાયું હતું અને કચ્છના એક લાખથી વધુ શૂરવીરોની વીરગતિના પ્રતાપે સિંધના સુલ્તાનને જીંદગી બચાવવા માટે ભાગવું પડયું હતું. જો કે ઝારાના યુદ્ધને અલગ-અલગ રીતે વર્ણવવામાં આવે છે, તેના પરિણામોની અલગ-અલગ રીતે ચર્ચા કરવામાં આવે છે. પરંતુ બધી ચર્ચાઓનો એક જ સૂર છે કે કચ્છી માંડુઓની વીરતા અક્ષુણ્ણ, અદમ્ય અને અદભૂત હતી.
ગુજરાતનો “જલિયાવાલાં બાગ હત્યાકાંડ” –
ગુજરાતનું સ્વતંત્રતા સંગ્રામમાં પણ મહત્વપૂર્ણ યોગદાન કોઈનાથી અજાણ્યું નથી. અમૃતસરના જલિયાંવાલા બાગના હત્યાકાંડને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આવેલા ટર્નિંગ પોઈન્ટમાંથી એક ગણવામાં આવે છે. 17 નવેમ્બર-1913ના રોજ ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી માનગઢની ટેકરી પર 1507 જેટલા આદિવાસીઓના અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા હત્યાકાંડને ગુજરાતનો જલિયાંવાલા હત્યાકાંડ ગણવામાં આવે છે. જો કે આ હત્યાકાંડ જલિયાંવાલા હત્યાકાંડના 13 એપ્રિલ, 1919ના છ વર્ષ પહેલા થઈ ચુક્યો હતો. પરંતુ રાજસ્થાન અને ગુજરાતના ખૂબ ઓછા લોકો આની જાણકારી ધરાવે છે. અરવલ્લી પર્વતમાળાની આ માનગઢ ટેકરી પર ૧૭ નવેમ્બર, ૧૯૧૩માં અંગ્રેજોના જુલ્મો-સિતમ સામે ગોવિંદ ગુરુનાં નેતૃત્વમાં થયેલ સશસ્ત્ર ક્રાંતિમાં ૧,૫૦૭ જેટલા દેશભક્ત ભીલો શહીદ થયા હતા.