સુરેન્દ્રનગરઃ રાજ્યમાં અનેક સરકારી શાળાઓ એવી છે. કે, જ્યાં પુરતા શિક્ષકો નથી, શાળાઓમાં પુરતા ઓરડા નથી. બાળકોને પીવાના પાણીના કોઈ સુવિધા નથી. આવી સ્થિતિમાં ક્યાંથી ભણશે ગુજરાત, રાજ્યના અંતરિયાળ ગામોમાં પણ શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે જ સાચા અર્થમાં ગુજરાતે વિકાસ કર્યો ગણાશે. જિલ્લાના પાટડી તાલુકાના વિસાવડી ગામની પ્રાથમિક શાળાના ઓરડા હાલમાં અત્યંત જર્જરીત હાલતમાં છે. આથી શાળામાં અભ્યાસ કરતા 190 બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યાં છે. આ શાળાના માત્ર બે જ રૂમ સારી હાલતમાં છે. જ્યારે સાત રૂમ અત્યંત જર્જરિત હાલતમાં છે. વરસાદી સીઝનમાં વિદ્યાર્થીઓને બહાર ખૂલ્લામાં ભણાવી શકાય તેમ નથી અને વિદ્યાર્થીઓ જર્જરિત થયેલા શાળાના ઓરડાંમાં જતા ડર અનુભવી રહ્યા છે.
પાટડી તાલુકાની વિસાવડી પ્રાથમિક શાળામા ધોરણ 1થી 8 સુધીના 190 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. શાળાના 190 બાળકો આ જર્જરિત ઓરડામાં મોત સામે ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યાં છે. આ શાળાના 9 ઓરડાની સામે 7 ઓરડામાં છતમાંથી સતત પોપડા પડી રહ્યાં છે અને રૂમોની દીવાલોમાં મોટી મોટી તિરાડો અને ફાટ પડી ગઇ છે. જ્યારે શાળાના 4 ઓરડામાં તો બિલકુલ બેસવા જેવુ છે જ નહીં એ તો બંધ હાલતમા જ પડ્યાં છે. આ પ્રાથમિક શાળામાં એક વર્ગ તો ઓફિસમાં બેસાડીને ચલાવી રહ્યાં છે. એ ઓફીસના ઓરડાંની પરિસ્થિતિ પણ સારી નથી. આ ગંભીર બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પણ આ બાબતે આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી અને તંત્ર તરફથી ગ્રાંટ નથી આવી એવી વાતો છેલ્લાં ત્રણ વર્ષથી સાંભળવા મળી રહી છે. આ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો મોતના જોખમ સામે બેસીને શાળાના નિયમોનું પાલન કરી રહ્યા છે.
પાટડીના વિસાવ઼ડી ગામની શાળાના વિદ્યાર્થીઓ મોત સામે ઝઝૂમીને અભ્યાસ કરી રહ્યાં છે. જ્યારે ચોમાસાના પડઘમ વચ્ચે બાળકોના વાલીઓ નિશાળની આ બિસ્માર હાલત જોઈને પોતાના બાળકોને શાળાએ મોકલવામાં ભય અનુભવી રહ્યા છે. જ્યારે વિસાવડી પ્રાથમિક શાળાની એસએમસી કમિટીના પ્રમુખ ડી.કે.મકવાણા અને કમિટીના સભ્યોની માંગણી છે કે, સત્વરે વિસાવડી પ્રાથમિક શાળા બાબતમાં ગંભીરતા દાખવી આ શાળાની બિસ્માર પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવે એવી શિક્ષણ વિભાગ, પાટડી અને સુરેન્દ્રનગરને રજુઆત કરી છે. જ્યારે આ અંગે વારંવાર લાગતા વળગતાને આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. બાળકોને શાળા જર્જરિત હોવાના કારણે અભ્યાસથી વંચિત ના રહેવુ પડે એવી નોબત ના આવે એવી વ્યવસ્થા કરવા શિક્ષણ વિભાગને ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે.