ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓની જિલ્લાફેર અરસ પરસ બદલીઓ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકોની નવા બનાવેલા નિયમોનુંસાર બદલીઓ કરાશે. જોકે બદલી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી, એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર અરસ પરસ સહિતની બદલીઓના નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે જિલ્લાફેર અરસ પરસ બદલીઓ કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે. જોકે જિલ્લાફેર અરસ પરસ બદલીઓ માટે શિક્ષકોને અરજી કરવાનો નિયમ છે. પરંતુ આગામી તારીખ 18મી, એપ્રિલથી પ્રા. શાળામાં વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે.જેની લીધે શિક્ષકોને સમયસર અરજી કરવાથી અનેક શિક્ષકો વંચિત રહી જવાની શક્યતા રહેલી છે. આથી અરસ પરસ જિલ્લાફેર બદલીઓ માટે અરજી કરવાની તારીખ લંબાવવાની માંગણી સાથે પ્રા. શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરી હતી.આથી રાજ્યના શિક્ષણ વિભાગે બદલીના નવા નિયમ મુજબ શિક્ષકોએ અરજી કરવાની છેલ્લી તારીખ 30મી, એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આથી જિલ્લાફેર અરસ પરસ બદલી અંગેની જરૂરી કામગીરી હાથ ધરવા આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણા શિક્ષકો વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે, ઘણા શિક્ષકો પોતાના વતનમાં કે નજીકના સ્થળે બદલીની માગણી કરી રહ્યા છે. જોકે હાલ શિક્ષકોની અરસ-પરસ બદલીઓ કરવામાં આવશે. હાલ તાલુકા શિક્ષણાધિકારી દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. અને આગામી તા. 30મી એપ્રિલ સુધી શિક્ષકોની અરજીઓ સ્વીકારવામાં આવશે.