વડાપ્રધાન મોદીએ પૂછ્યું, વડનગરમાં રેડિયો સ્ટેશન બનાવ્યુ… લોકો ખૂશ છે ને !
અમદાવાદઃ રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઊજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી ને એ અંગે પૂછ્યું હતું.
PM મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે દિવાળી સુધી ગરીબોને મફત અનાજ મળશે. મોદીએ ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી. માદીએ વડનગરના નરસિંહભાઈ સાથે વાત કરીને વડનગરમાં નવું રેડિયો સ્ટેશન બન્યું તે જોઈ આવ્યા કે નહીં ?, લોકો સાથે રાજી થયા છે, ને, વગેરે પ્રશ્નો પૂછ્યા હતા.
દાહોદથી આજે વડાપ્રધાન મોદી અને મુખ્ય મંત્રીરૂપાણી દ્વારા ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાજયમાં આ યોજના અંતર્ગત 3.5 કરોડ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ મળશે. આ કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ વડનગર, દાહોદ, રાજકોટ તાપી, ગાંધીનગરના લાભાર્થીઓ સાથે વાત કરી હતી.
વડાપ્રધાને આ લાભાર્થીઓ સાથે ગુજરાતીમાં વાત કરી પહેલા લાભાર્થી પીએમ મોદીના વતન વડનગરના હતા. વડનગરના નરસિંહભાઈ સાથે પ્રથમ વાત કરી. પીએમ મોદીએ નરસિંહભાઈને પૂછ્યું, ‘મફત અનાજ યોજનાનું અનાજ મળે છે? છોકરાઓને ભણાવો છો? વડનગરમાં નવું રેડિયો સ્ટેશન બન્યું તો જઈ આવ્યા? નવું સ્ટેશન બન્યું તો લોકો ખુશ થયા કે નહીં? નરસિંહભાઈએ કહ્યું કે ‘લોકો ખૂબ રાજી થયા’
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘સસ્તા રાશનની યોજનાનો દાયરો દર વર્ષે વધતો ગયો પરંતુ એનો જે પ્રભાવ હોવો જોઈએ તે હતો નહીં. ભુખમરો અને કુપોષણના અનુપાતમાં અછત ન આવી. દેશમાં પ્રભાવી ડિલિવરી સિસ્ટમ નહોતી. કટકી કંપની અને સ્વાર્થી તત્વો ઘુસી ગયા એટલે અનાજ પહોંચતું નહોતું. નવી ટેકનોલોજી અને નવા માધ્યમથી અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં સાડાત્રણ કરોડ લાભાર્થીને મફત અનાજનો લાભ મળી રહ્યો છે. આ માટે ગુજરાત સરકારની પ્રશંસા કરું છું. દેશના બીજા હિસ્સાના શ્રમિકોને પ્રાથમિકતા આપી છે. શ્રમિકોને આ યોજનાનો લાભ આપ્યો છે. ગુજરાતે સૌથી પહેલા વન નેશન વન રાશન કાર્ડનો લાભ આપ્યો છે.