અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર ધામનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાથે જ સરદાર ધામના ફેઝ-2નું ખાતમુર્હૂત પણ કર્યું હતું. અમદાવાદમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ વર્ચુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરદારધામના ઉદઘાટનની તારીખ બહુ જ નોંધનીય છે. આજે 9/11 છે, આ દિવસે આપણને ધણુ બધુ આપ્યું છે. જે દિવસે માનવતા પર હુમલો થયો હતો. આ જ દિવસે શિકાગોમાં ધર્મસંસદનું આયોજન થયુ હતું. આજના જ દિવસે સ્વામી વિવેકાનંદે પરિષદમાં ભારતીય મૂલ્યોનું મહત્વ દુનિયાને સમજાવ્યુ હતું. આજના દિવસે આ ભારતના મહાનવીર સુબ્રમણ્યમ ભારતીની 100 મી પુણ્યતિથિ પણ છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્યમ ભારતીના નામથી ચેર સ્થાપિત કરાવનુ નક્કી કરાયું છે. તમિલ ભાષા વિશ્વની સૌથી પુરાતન ભાષા છે. તેથી તમિલ સ્ટડી પર સુબ્રણ્યમ ભારતી સ્ટડી બનારસની ફેકલ્ટી ઓફ આર્ટસમાં સ્થાપિત કરાશે. જે રિસર્ચ ફેલો માટે પ્રેરણારૂપ બની રહેશે. તેઓ હંમેશા ભારતની અને માનવતાની એકતા પર બળ આપતા હતા. આપણે જે પ્રગતિ કરી છે આ સમાજ વચ્ચે કરી છે. તેથી જે આપણને મળ્યુ છે તે માત્ર આપણુ નથી, તે આપણા સમાજનું અને દેશનુ પણ છે.
વડાપ્રધાને પાટિદાર સમાજની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની તો એક મોટી વિશેષતા છે કે તેઓ જ્યાં પણ જાય છે, ત્યાંના વેપારને નવી ઓળખ આપે છે. પાટિદારોનું આ કૌશલ હવે ગુજરાત અને દેશમાં જ નહીં, સમગ્ર દુનિયામાં ઓળખવામાં આવી રહ્યું છે. પાટીદાર સમાજની અન્ય એક મોટી ખૂબી છે, તે જ્યાં પણ રહે, ભારતનું હિત તેમના માટે સર્વોચ્ચ રહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 7 લાખ 19 હજાર સ્કેવર ફીટમાં સરદાર ધામ આકાર પામ્યું છે. જેમાં GPSC અને UPSC કેન્દ્ર ઉપરાંત ડિફેન્સ જ્યુડિશરી, રાજનીતિ તેમજ મીડિયા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 900 વિદ્યાર્થીઓની ક્ષમતાની ઈ-લાઈબ્રેરી બનાવવામાં આવી છે. તથા 50 રૂમ વિશ્રામગૃહ માટે અનામત રાખવામાં આવ્યા છે. સરદાર ધામમાં 1600 દીકરીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ 1 હજાર વ્યક્તિની ક્ષમતાના 2 હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, ઉંઝા, બરોડા અને ભાવનગરની સમાજની સંસ્થાઓ સાથે MOU કરીને UPSC અને GPSC તાલિમ કેન્દ્રો સરદાર ધામમાં શરૂ કરવામાં આવ્યા છે.