વડાપ્રધાન મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો
બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે મંગળવારે રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મોદીએ સવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવતા પહેલા તેમણે ટ્રેનના કોચની અંદર સ્કૂલના બાળકોના ગ્રુપ સાથે વાતચીત કરી હતી. કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પણ મોદી સાથે હાજર હતા.
ટ્રેનની અંદર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બાળકોએ મોદીને વડાપ્રધાન અને તેમના દ્વારા બનાવેલ વંદે ભારત એક્સપ્રેસના ચિત્રો પણ બતાવ્યા હતા. જ્યારે મોદી ટ્રેનને લીલી ઝંડી બતાવી રહ્યા હતા ત્યારે સામેની દિશામાં પણ મોટી સંખ્યામાં લોકો પ્લેટફોર્મ પર એકઠા થયા હતા. વંદે ભારત એક્સપ્રેસ રાજ્યની રાજધાનીને કેરળના ઉત્તરી કસારગોડ જિલ્લા સાથે જોડશે.
રાજ્યના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારના મહત્વાકાંક્ષી સેમી-હાઇ સ્પીડ રેલ કોરિડોર, સિલ્વરલાઇનના વિકલ્પ તરીકે ઘણા લોકો દ્વારા તેને ગણવામાં આવે છે. વંદે ભારત એક્સપ્રેસ તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના 11 જિલ્લાઓને આવરી લેશે. આ પહેલા વડાપ્રધાન સવારે કોચીથી અહીં પહોંચ્યા હતા.
તિરુવનંતપુરમ એરપોર્ટ પર તેમના આગમન પર ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી રેલ્વે સ્ટેશન સુધીની મુસાફરી દરમિયાન, સેંકડો પોલીસ કર્મચારીઓ તૈનાત સાથે રાજ્યની રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન કડક ટ્રાફિક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. એરપોર્ટથી રેલ્વે સ્ટેશન સુધીનો તેમનો આખો છ કિલોમીટરનો પ્રવાસ રોડ શો જેવો હતો, જેમાં વડા પ્રધાન તેમના વાહનના ફૂટબોર્ડ પર ઊભા હતા અને રસ્તાના કિનારે લોકોનું અભિવાન ઝીલ્યું હતું.