વડાપ્રધાન મોદીએ તાપી જિલ્લાને દિવાળી પૂર્વે આપી રૂ.2192 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ
ગાંધીનગરઃ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે કુલ રૂ.2192 કરોડથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે દિવાળીના તહેવારો નજીક અપરંપાર માનવ મહેરામણના આશિર્વાદ અહી મળ્યા છે તેમ જણાવી, સૌનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, પ્રજાજનોના આશિર્વાદ અને વિશ્વાસથી ડબલ એંજિન સરકારને નવી પ્રેરણા, ઊર્જા, સામર્થ્ય, અને સંઘર્ષ કરવાની શક્તિ મળી છે. આદિવાસી સમાજની અવગણના કરનારી ભૂતકાળની સરકારે જે અન્યાયો કર્યા છે અમારી ડબલ એંજિન સરકારે સબકા સાથ, સબકા પ્રયાસ અને સબકા વિકાસના મંત્રને મુર્તિમંત કરી આદિવાસી સમાજના ઉત્કર્ષનો નવો માર્ગ ડબલ ઇચ્છાશક્તિથી કંડાર્યો છે. આદિવાસી જીવન ધોરણ સરળ કરવાની દિશામા અન્યાય કરતા કાયદાઓમા સુધારા કરી, તેમનુ જીવન ધોરણ સરળ કરવામા સિમાચિન્હરૂપ કામગીરી કરી છે. સાથે સોનાની લગડી સમાન આયુષ્યમાન કાર્ડની ભેટ ગરીબ વર્ગને આપી છે.
તેમણે વધુમાં જણાવ્યં હતું કે, આદિવાસી ક્ષેત્રોમાં કુપોષણની સમસ્યાના કાયમી નિવારણ માટે દુધ સંજીવની યોજના, ફોર્ટીફાઇડ અનાજ વિતરણ, સ્વાસ્થ્ય કેંદ્રોની સેવાઓ માટેની સુદ્રઢ નીતિઓ અમલી બનાવી છે. કોરોના મહામારી સમયથી દેશના 80 કરોડ લોકોને રૂ.3 લાખ કરોડના ખર્ચે અઢી વર્ષ સુધી મફત અનાજ આપવા સાથે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામા મફત ગેસ જોડાણ, એક્લવ્ય મોડેલ સ્કૂલો અને આદિવાસી ક્ષેત્રમા વૈશ્વિક સુવિધાઓ ધરાવતી 4000 જેટલી મિશન સ્કૂલ ઓફ એક્સલંસ, વિજ્ઞાન શાળાઓ અને કોલેજો, વાડી યોજના, હર ઘર નલ અને નલ સે જલ યોજના, સિંચાઇ સુવિધા, આવાસ, જમીનના હક્કો જેવા કાર્યોએ આદિવાસી સમાજની ભાવી પેઢીને સમ્રુદ્ધિની દિશામા માર્ગ કંડારી આપ્યો છે.
તેમણે સંબોધન કરતા ઉમેર્યું હતું કે, છેલ્લા વીસ વીસ વર્ષોથી વિકાસથી વંચિત રખાયેલા આદિવાસી ક્ષેત્રમાં સેંક્ડો કરોડો રૂપિયાના વિકાસના નવા પ્રકલ્પોના નિર્માણ સાથે આ વિસ્તારમા પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ સર્જન કરાશે. આદિવાસી સમાજના વડિલોએ વેઠેલી મુશ્કેલીઓ નવી પેઢિના સંતાનોએ ના ભોગવવી પડે તે માટે ડબલ એંજિન સરકાર નક્કર આયોજન સાથે આગળ વધી રહી છે, આદિવાસી સમાજના લોકોને ચુંટણી ટાણે ખોટા વાયદાઓ કરીને ગુમરાહ કરતા લોકોને પ્રજા સારી પેઠે ઓળખે છે.
આદિવાસી કલ્યાણને સમર્પિત સરકારે આદિવાસી માતાપિતાના સંતાન એવા ગુજરાતના આદિવાસી નેતા શ્રી મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સેવાનો મોકો આપવા સાથે, આદિવાસી પરિવારની દિકરીને પણ રાષ્ટ્રપતિ પદે આરૂઢ કર્યા છે તેમ જણાવ્યુ હતુ.
રાજ્યના ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બહૂલ વિસ્તારોમા દિવાળી પૂર્વે જ વિકાસનો ઉન્નત ઉજાશ પથરાયો છે તેમ જણાવતા મુખ્યમંત્રી ભુપેંદ્રભાઇ પટેલે પ્રકૃતિ-સંસ્કૃતિ અને પ્રગતિને વરેલી ડબલ એંજિન સરકારે વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ‘વનબંધુ કલ્યાણ યોજના’ ના માધ્યમથી પાયાકિય સુવિધાઓ ઉભી કરીને આ વિસ્તારોની કાયાપલટ કરી છે તેમ જણાવ્યુ હતુ.