Site icon Revoi.in

વડાપ્રધાન મોદીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રમુખ સ્વામી મહોત્સવનું કર્યુ ઉદ્ધઘાટન, મહોત્સવનો વિધિવત પ્રારંભ

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યા હતા. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  પ્રમુખ સ્વામી મહારાજની 45 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે  BAPSના  વરિષ્ઠ સંત ગણો સાથે અક્ષરધામની પ્રતિકૃતિ પ્રાંગણમાં અક્ષરધામની પ્રતિકૃતિ પરિક્રમા કરી હતી. તેમજ ગ્લો ગાર્ડનનું પરિભ્રમણ કર્યુ. આ ગ્લો ગાર્ડનમાં જ્યોતિ ઉદ્યાન બનાવવામાં આવ્યુ છે. અહીં વિવિધ કલાકૃતિ રાખવામાં આવી છે, જેમા શ્વાનની વફાદારીનુ મૂલ્ય પણ પ્રતિકૃતિના માધ્યમથી સમજાવાયુ છે.  અહીં જે કંઈપણ કૃતિ બનાવવામાં આવી છે તે સ્વયંસેવકોએ બનાવેલી છે

નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત હતા. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં એક લાખથી વધુ હરિભક્તો ઉમટી પડ્યા હતા. ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો  હાર્દિક પટેલ, જીતુ વાઘાણી, અમિત પી. શાહ, કૌશિક જૈન, પંકજ દેસાઈ અને અમિત ઠાકર તથા  અમદાવાદના મેયર કિરીટ પરમાર,  ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી રજની પટેલ હાજર રહ્યા હતા.

વડાપ્રધાને શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કર્યા બાદ સમગ્ર નગર નિહાળ્યુ હતુ. ત્યારબાદ જંગી સભાને સંબોધન કર્યુ હતુ.. સભામાં આવનાર લોકો માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. વીઆઇપી અને સંતો માટે પ્રથમ હરોળમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે હરિભક્તો માટે ખુરશી સહિત ગોદડા પાથરીને પણ બેસવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે પણ હરિભક્તો પીએમની સભામાં આવ્યા હતા તેવા તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 1 લાખથી 25 હજાર ફૂડ પેકેટ બનાવામાં આવ્યા હતા. જેમાં સૂકી ભાજી, ભજીયા, થેપલા અને છાશના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. તેની સાથે સાથે પાણી બોટલ પણ આપવામાં આવી હતી. સભાસ્થળે જવા અને વ્યવસ્થામાં સ્વંયસેવક પોતાની સેવા આપી હતી સભામાં BAPSના મોટાભાગના તમામ સંતો સભામાં હાજર રહ્યા હતા.