- વડાપ્રધાને સેક્ટર-1થી ગિફ્ટસિટી સુધી મેટ્રો ટ્રેનમાં બેસીને કર્યો પ્રવાસ,
- વડાપ્રધાન સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ પ્રવાસમાં જોડાયા,
- મેટ્રો ટ્રેનમાં બાળકો સાથે મોદીએ કરી ગોષ્ઠિ
ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આજે મેટ્રો ટ્રેનની ભેટ આપી હતી વડાપ્રધાને આજે બપોરે 2 વાગ્યે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રોનું લોકાર્પણ કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી. આ સાથે જ તેમણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે આ સફર દરમિયાન ચર્ચા પણ કરી હતી. વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો આજથી પ્રારંભ કરાયો છે. PM મોદીએ મેટ્રો ફેઝ-2ના 20.8 કિમીના કોરિડોરનું લોકાર્પણ કર્યું હતુ. મેટ્રો ફેઝ – 2 રેલ લાઈનની કુલ લંબાઈ 28.2 કિમી છે. જેમાં 22.8 કિમી મુખ્ય લાઈન અને 5.4 કિમી શાખા લાઈનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઈનમાં 20 સ્ટેશન અને શાખા લાઈનમાં 2 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા 5,384 કરોડ છે.
વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનમાં જાતે જ ટિકિટ લઈને ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધીની મુસાફરી કરી છે. જેમાં તેમણે બાળકો સાથે પણ સંવાદ કર્યો હતો. આ સફરમાં તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાયા હતા. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં કુલ 8 સ્ટેશન આવશે. GNLU, રાયસણ, રાંદેસર, ધોળકુવા સર્કલ, ઇન્ફોસીટી, સેક્ટર 1, PDPU અને ગિફ્ટ સીટીનો સમાવેશ થાય છે.