- વડાપ્રધાન મોદી વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા
- કોરોના મહામારી સહીત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા
- પોપ ફ્રાન્સિસે ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 30 ઓક્ટોબર 2021ના શનિવારના રોજ વેટિકન ખાતે ઓપોસ્ટોલિક પેલેસમાં જૂજ વ્યક્તિગત પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં પોપ ફ્રાન્સિસે આવકાર્યા હતા.
બે દાયકા કરતાં વધારે સમયગાળા પછી ભારતના વડાપ્રધાન અને પોપ વચ્ચે આ પ્રથમ મુલાકાત યોજાઇ હતી. છેલ્લે જૂન 2000 માં ભારતના દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વેટિકનની મુલાકાત લીધી હતી અને તત્કાલિન પોપ જ્હોન પૌલ દ્વિતિય સાથે મુલાકાત કરી હતી.
ભારત અને આ પવિત્ર વેટિકન સિટી વચ્ચે 1948માં રાજદ્વારી સંબંધોની સ્થાપના થઇ ત્યારથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યાં છે. ભારત સમગ્ર એશિયામાં કેથોલિક વસતી સમુદાયનું બીજું સૌથી મોટું ગૃહસ્થાન છે.
આજની મુલાકાત દરમિયાન, બંને અગ્રણીઓએ કોવિડ-19 મહામારી અંગે અને દુનિયાભરના લોકો પર તેના પરિણામોના પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. તેમણે આબોહવા પરિવર્તનના કારણે ઉભા થયેલા પડકારો વિશે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને ભારતમાં આબોહવા પરિવર્તનને નાથવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અને કોવિડ-19ની રસીના એક અબજ ડોઝ સફળતાપૂર્વક આપવા અંગે પોપને માહિતી આપી હતી.પોપે મહામારી દરમિયાન જરૂરિયાતમંદ દેશોને ભારતે કરેલી સહાયતાની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાને પોપ ફ્રાન્સિસને વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને પોપે સહર્ષ સ્વીકાર્યું હતું.
વડાપ્રધાને આ દરમિયાન સેક્રેટરી ઓફ સ્ટેટ મહાનુભાવ કાર્ડિનલ પીટ્રો પેરોલીન સાથે પણ મુલાકાત કરી હતી.