વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવશે, બે દિવસમાં અડધો ડઝન સભાને સંબોધશે
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો ચૂંટણી તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીને હવે એક સપ્તાહથી ઓછો સમય બાકી રહ્યો છે. 7મી મેને મંગળવારના રોજ ચૂંટણી યોજાશે. એટલે રવિવારે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે, એટલે ચૂંટણી પ્રચારના ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની આજે બનાસકાંઠાના ડીસામાં તેમજ હિમતનગરમાં વિશાળ જનસભા યોજાશે. જ્યારે કાલે ગુરૂવારે આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરમાં જાહેર સભા યોજાશે, વડાપ્રધાન મોદી ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. તેમજ આજે રાત્રે પ્રદેશના આગોવાનો સાથે બેઠક યોજીને તમામ બેઠકોમાં ભાજપની સ્થિતિ અંગે સમીક્ષા કરશે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 1લી મેને બુધવારના રોજ બે દિવસીય ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચશે. આજે બુધવારે બનાસકાંઠાના ડીસામાં એરોડ્રોમ ગ્રાઉન્ડ ખાતે બપોરે 3.30 કલાકે વડાપ્રધાન જનસભાને સંબોધશે. તેમજ સાબરકાંઠાના હિંમતનગર ખાતે મોદી ગ્રાઉન્ડમાં સાંજે 5.15 કલાકે વડાપ્રધાન જનસભાને સંબોધશે. જ્યારે આવતી કાલે તા.2જી મેને ગુરૂવારે વડાપ્રધાન મોદીની ચાર જનસભાઓ યોજાશે. જેમાં બપોરે 11 વાગ્યે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડ ખાતે, બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરના ત્રિમૂર્તિ ગ્રાઉન્ડ ખાતે, તેમજ બપોરે 3.15 કલાકે જુનાગઢમાં કૃષિ યુનિના મેદાનમાં, અને સાંજે 5 વાગ્યે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જનસભા યોજાશે.
ગુજરાતમાં પુરુષોત્ત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ સામે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે મોદીની સભામાં સહેજ પણ ચૂક ના રહી જાય તે માટે સલામતીની જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અભય ચુડાસમા, સુભાષ ત્રિવેદી અને રાજકુમાર પાંડિયનને પણ આ જવાબદારીમાં સામેલ કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ, જામનગર અને સુરેન્દ્રનગરના નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે એડિશનલ ડીજી અધિકારીઓને તમામ સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જૂનાગઢમાં સુભાષ ત્રિવેદી, સુરેન્દ્રનગરમાં અભય ચુડાસમા અને જામનગરમાં રાજકુમાર પાંડિયનને જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ પાટણ અને બનાસકાંઠામાં નરેન્દ્ર મોદીની સભા દરમિયાન આઈપીએસ અધિકારીને જવાબદારી સોંપી દેવામાં આવી છે.