LOKSABHA ELECTION 2024: વારાણસીથી વડાપ્રધાન મોદી મેળવશે સતત ત્રીજી મોટી જીત, જાણો બેઠકનું સમીકરણ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની લઈને રાજકીય પારા વચ્ચે વારાણસી બેઠકની વાત કરીએ, તો આ બેઠક પરથી 2014 અને 2019 એમ બે વખતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતી રહ્યા છે. તો 2024માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડવાના હોવાનું માનવામાં આવે છે. ત્યારે વિપક્ષી દળ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી ગઠબંધન થયા બાદ અખિલેશ યાદવે વારણસી બેઠક કોંગ્રેસને ફાળવી દીધી છે. જો કે હજી સુધી કોંગ્રેસ તરફથી આ બેઠક પરથી કોઈ ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી નથી. જો કે માનવામાં આવે છે કે આ વખતે પણ કોંગ્રેસ ફરી એકવાર અઝય રાય પર દાંવ ખેલે તેવી શક્યતા છે.
વારાણસી દર ચૂંટણીએ ચર્ચાનો વિષય બને છે. ગત ચાર ચૂંટણીની વાતકરીએ, તો 2004માં ભાજપનો ગઢ ગણાતી આ બેઠકને કોંગ્રેસે જીતીને મોટો ફટકો માર્યો હતો. તેના પછી 2009માં ભાજપના ત્રિમૂર્તિમાંથી એક ગણાતા મુરલી મનોહર જોશી અહીંથી ચૂંટણી લડયા અને તેમણે માફિયા મુખ્તરાઅંસારીને બેહદ રસ્સાકશીના જંગમાં હાર આપીને ભાજપને જીત અપાવી હતી.
લોકસભા ચૂંટણીનો 2014નો મુકાબલો-
વારાણસી બેઠક પર 2014માં મુરલી મનોહર જોશીના સ્થાને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડયા હતા. નરેન્દ્ર મોદીને 2014માં 581022 એટલે કે કુલ વોટના 32.89 ટકા વોટ મળ્યા હતા અને તેમની જીત થઈ હતી. બીજા સ્થાને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 209238 વોટ એટલે કે 11.85 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ત્રીજા સ્થાને કોંગ્રેસના અજય રાયને માત્ર 75614 એટલે કે 4.28 ટકા વોટ મળ્યા હતા. તો ચોથા સ્થાને બીએસપીના વિજય પ્રકાશ જયસ્વાલને 60579 વોટ એટલે કે 3.43 ટકા વોટ મળ્યા હતા.
લોકસભા ચૂંટણીનો 2019નો મુકાબલો-
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 674664 એટલે કે 63.6 ટકા વોટ મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી બહુમતીથી જીત તઈ હતી. તો બીજા સ્થાને સમાજવાદી પાર્ટીના શાલિની યાદવને 195159 એટલે કે 18.4 ટકા વોટ મળ્યા હતા. તો કોંગ્રેસના અજય રાયને 152548 વોટ એટલે કે 14.38 ટકા વોટ સાથે ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડયો હતો.
વારાણસી બેઠકની અત્યાર સુધીની 17 લોકસભા ચૂંટણીમાં ભાજપને સાત વાર અને કોંગ્રેસને પણ સાત વાર જીત પ્રાપ્ત થઈ છે. તો એક-એક વાર જનતાદળ અને સીપીએમના ઉમેદવારોએ પણ જીત મેળવી છે. ભારતીય લોકદળે પણ એકવાર અહીંથી વિજય પ્રાપ્ત કર્યો છે. વારાણસી બેઠક પરથી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને હજી સુધી કોઈ જીત પ્રાપ્ત થઈ નથી.
વારાણસીથી ચૂંટણી લડનારા નેતાઓ-
વારાણસી બેઠક પરથી જીતીને સંસદમાં પહોંચનારાઓમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી કમલાપતિ ત્રિપાઠી, મુરલી મનોહર જોશી અને વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીનો સમાવેશ થાય છે.
1957માં વારાણસીથી કોંગ્રેસના નેતા રઘુનાથસિહ સાંસદ બન્યા હતા. 1962માં પણ રઘુનાથસિંહ જ ચૂંટાયા હતા. 1967માં પહેલીવાર સીપીએમના સત્યનારાયણસિંહ ચૂંટણી જીત્યા હતા.
1971માં કોંગ્રેસના રાજારામ શાસ્ત્રી અહીંથી ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા. 1977માં કોંગ્રેસ વિરોધી લહેરને કારણે ચંદ્રશેખરની અહીંથી જીત થઈ હતી. 1980માં કમલાપતિ ત્રિપાઠી, 1989માં લાલબહાદૂર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રી અહીંથી સાંસદ બન્યા હતા. 2004માં કોંગ્રેસના રાજેશ મિશ્રા, 2009માં મુરલી મનોહર જોશી અને 2014 તથા 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી સાંસદ બન્યા.
જાતિગત સમીકરણ-
આ બેઠક પર કુર્મી મતદાતાઓની સંખ્યા સૌથી વધારે છે. રોહનિયા અને સેવાપુરીમાં કુર્મી મતદાતાની ઘણી મોટી સંખ્યા છે. તેના સિવાય બ્રાહ્મણ અને ભૂમિહાર પણ સારા એવા પ્રમાણમાં છે. આ સિવાય વૈશ્ય, યાદવ, મુસ્લિમ મતદાતાઓ પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. અહીં ત્રણ લાખથી વધારે બિનયાદવ ઓબીસી વોટર છે. બે લાખથી વધુ વોટર કુર્મી જાતિના છે. લગભગ બે લાખ વોટ વૈશ્ય જાતિના છે. દોઢ લાખ જેટલા ભૂમિહાર, એક લાખ યાદવ અને એક લાખ અનુસૂચિત જાતિના વોટર છે.