દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત દક્ષિણ ફ્રાન્સના શહેર માર્સિલેમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે. મોદીએ અહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સના લોકોની વચ્ચે લાંબા સમયથી ગાઢ સંબંધો રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત માર્સિલેમાં નવું વાણિજ્ય દૂતાવાસ ખોલશે.
મોદીએ ફ્રાન્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને લાંબા ગાળાના વિઝા આપવાના ફ્રાન્સના નિર્ણયને પણ આવકાર્યો હતો. તેમણે કહ્યું, “અમે ફ્રેન્ચ યુનિવર્સિટીઓને ભારતમાં તેમના કેમ્પસ ખોલવા માટે આમંત્રિત કરીએ છીએ,” મોદીએ કહ્યું કે ફ્રાન્સ દિલ્હીમાં નિર્માણ થઈ રહેલા રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ભાગીદાર છે.
આવતા વર્ષે પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતીય ખેલાડીઓ આ ગેમ્સને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. “હું રાષ્ટ્રપતિ મેક્રોન અને તેમની ટીમને ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ મારી શુભેચ્છા પાઠવું છું,”
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી બે દિવસીય ફ્રાન્સના પ્રવાસે હતા,આ દરમિયાન ભારતના UPIથી લઈને સ્ટુડન્ટ વિઝા અને દેશમાં ફ્રેન્ચ કોલેજો ખોલવા સુધીના ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભારતીય યુપીઆઈને લઈને પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ડીલ પણ ફાઈનલ થઈ ગઈ, જેથી હવે યુપીઆઈ ફ્રાન્સમાં પણ ચાલી શકશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન અને ફાઈટર એરક્રાફ્ટ એન્જિન એકસાથે બનાવવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે.