Site icon Revoi.in

અમદાવાદમાં એરપોર્ટથી કમલમ્ સુઘી વડા પ્રધાન મોદીનો રોડ શો, 50 સ્ટેજ તૈયાર કરાયા

Social Share

 

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના પ્રવાસે આવી રહ્યા હોવાથી વડાપ્રધાનના સ્વાગત માટેની ધુમ તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. રોડ શોને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. વડાપ્રધાનના અભિવાદન માટે 4 લાખ લોકો હાજર રહેવાના છે. લોકોને ઊભા રહેવા માટે રોડની ડાબી તરફ રેલીગ કરી દેવામાં આવી છે. એરપોર્ટથી લઇ અને કમલમ સુધી 50 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર રૂટ પર અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક પોઇન્ટ પર DYSP અને PI કક્ષાના અધિકારીઓને રાખવામાં આવ્યા છે. ઈન્દિરાબ્રિજ પર ભાજપના ઝંડા પણ લગાવી દેવામાં આવ્યા છે. વડાપ્રધાનના કાફલો એરપોર્ટથી કમલમ સુધી પહોંચે તેનું ગ્રાન્ડ રિહર્સલ પણ આજે યોજાયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે શુક્રવારને 11મીએ સવારે દિલ્હીથી વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે, જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. સાંજે વડાપ્રધાન સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં સરપંચ સંમેલન યોજાવાનું છે. જેને લઈને અનેક રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે GMDC ગ્રાઉન્ડમાં યોજવાના કાર્યક્રમને લઈને જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક રસ્તા પર તમામ વાહનો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે જે જાહેરનામનો ભંગ કરશે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ હિમાલિયા મોલથી સંજીવની હોસ્પિટલથી શહીદ ચોકથી માનસી સર્કલ તથા સંજીવની હોસ્પિટલથી એન.એફ.ડી સર્કલ થઈ ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક માર્ગ માટે હિમાલિયા મોલથી થલતેજ ચાર રસ્તા થઈ ગુરુદ્વારા ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા થઈ માનસી ચાર રસ્તા તરફના માર્ગનો વાહનોની અવરજવર માટે ઉપયોગ કરી શકાશે.

પીએમ મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં હથિયારી ગાર્ડ પણ રહેશે. VVIP અવરજવર હશે, ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવામાં આવશે. પીએમના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ના થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. આ અંગે સેક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે અત્યારસુધીના VVIP બંદોબસ્તમાં જે ખામીઓ થઇ છે એ ફરીથી ના થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. (file photo)