Site icon Revoi.in

PM નરેન્દ્ર મોદી દોહા પહોંચ્યાં, કતારના પ્રધાનમંત્રીને મળ્યા

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના બે દિવસના પ્રવાસ બાદ આજે તેઓ કતાર પહોંચ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કતારના દોહા ખાતે તેમની પ્રથમ કાર્યક્રમમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીને મળ્યા હતા.

બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉર્જા, નાણા અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ પશ્ચિમ એશિયામાં તાજેતરના પ્રાદેશિક વિકાસની પણ ચર્ચા કરી હતી અને આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ કતારના પ્રધાનમંત્રી દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી હતી.

બે દિવસના યુએઈના રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેમણે યુએઈના બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કતારની સત્તાવાર મુલાકાતે દોહા પહોંચ્યા. પ્રધાનમંત્રીની કતારની આ બીજી મુલાકાત છે, તેઓ પહેલીવાર જૂન 2016માં કતાર ગયા હતા. પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર વિદેશ બાબતોના રાજ્ય મંત્રી મહામહિમ સોલતાન બિન સાદ અલ-મુરૈખીએ કર્યું હતુ.

તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી આજે રાત્રે કતારના પ્રધાનમંત્રી મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપશે. 15 ફેબ્રુઆરીએ, પ્રધાનમંત્રી કતારના અમીર, મહામહિમ શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળશે અને દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરશે.