નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળના લોકોને રાહુલ ગાંધી મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને દેશની રાજનીતિ વિશે વાત કરી અને ભારતીય જનતા પાર્ટીની સાથે RSS પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ રાજકારણ માટે જરૂરી એવા સંસાધનોને નિયંત્રિત કરી રહ્યા છે. દરમિયાન તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં કેટલાક એવા લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જ જાણે છે. ભગવાન કરતાં પણ વધુ જાણે છે. તે ભગવાન સાથે બેસીને તેમને સમજાવી પણ શકે છે. પીએમ નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને લાગે છે કે આપણા દેશના વડાપ્રધાન તેમાંથી એક છે. જો મોદીજીને ભગવાન સાથે બેસાડવામાં આવે તો તેઓ ભગવાનને સમજાવવાનું શરૂ કરશે કે બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. સાચું?
ભારત જોડો યાત્રાનો અનુભવ લોકો સાથે શેર કરતા કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે આ યાત્રા શરૂ થઈ ત્યારે 5-6 દિવસ પછી મને સમજાયું કે આ યાત્રા સરળ નહીં થાય. હજારો કિલોમીટરનો પ્રવાસ પગપાળા કરીને કવર કરવો ખૂબ જ મુશ્કેલ લાગતો હતો, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું કે, હું, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકોની સાથે દરરોજ 25 કિલોમીટરની મુસાફરી કરતા હતા. ત્રણ અઠવાડિયા પછી મને લાગ્યું કે હવે હું થાક્યો નથી. મેં લોકોને પૂછવાનું પણ શરૂ કર્યું કે, શું તેઓ થાક અનુભવે છે, પરંતુ કોઈએ પણ આનો જવાબ ‘હા’માં આપ્યો ન હતો. તેમણે કહ્યું કે, આ યાત્રામાં માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ સમગ્ર ભારત એક-એક પગલું આગળ વધી રહ્યું છે. રાહુલે વધુમાં કહ્યું કે, કોંગ્રેસની સારી વાત એ છે કે અમે બધાની સાથે છીએ. જો કોઈ આવીને કંઈક કહેવા માંગે તો અમે તેને સાંભળીએ છીએ. અમને ગુસ્સો નથી આવતો, આ આપણો સ્વભાવ છે. પોતાના સંબોધન બાદ રાહુલ ગાંધીએ લોકોના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે, આવી સવાલ-જવાબની હારમાળા ભાજપની સભાઓમાં હોતી જ નથી.